રજત જયંતિ મહોત્સવ અંતર્ગત મહા અન્નકૂટ દર્શનનું આયોજન 25 કિલોની કેક અને 25 કિલોનો ચુરમાના લાડુ બનાવાયો મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરને 25 વર્ષ પૂર્ણ થયાના અવસરે હાલ ભવ્યાતી ભવ્ય રજત જયંતિ મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં આજે મહા અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટ દર્શનમાં આશરે 3,500 જેટલી વિવિધ વાનગીઓ સ્વામીનારાયણ ભગવાનને ધરવામાં આવી હતી. જેનું કુલ વજન 1800 કિલો જેટલું હતું. મોરબીમાં પ્રથમ વખત આટલી બધી વાનગીઓનો મહા અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આ મહા અન્નકૂટ દર્શનમાં 200થી વધુ બહેનો પોતાના ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા હતા. આ વાનગીઓમાં 1000 પ્રકારની મીઠાઈ, 250 બેકરીની આઈટમ, 40 પ્રકારના શિખંડ અને મઠો, 100 પ્રકારના શાક, 50 પ્રકારના પંજાબી શાક, 50 પ્રકારના પૂરી, રોટલી, રોટલા, 500 પ્રકારના ફરસાણ, 240 પ્રકારના ભીના ફરસાણ, 150 પ્રકારના ડ્રાયફ્રુટ, 140 પ્રકારના ફ્રુટ, 150 પ્રકારના લીલા શાકભાજી, 130 પ્રકારના મુખવાસ, 50 પ્રકારની ચાટ અને ચટણી, 50 પ્રકારની ચીકી, 90 પ્રકારના કઠોળ, 100 પ્રકારના અથાણા, 25 પ્રકારના રાયતા અને 150 પ્રકારના જ્યુસ મળીને કુલ ભારતભરમાં મળતી 3500 જેટલી વાનગીઓનો ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ દર્શન ધરવામાં આવ્યા હતા. 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વામિનારાયણ ભગવાનને 25 કિલોની કેક અને 25 કિલોનો ચુરમાનો લાડુ પણ બનાવીને ધરવામાં આવ્યો હતો. દર્શને આવતા ભક્તોને આ અન્નકૂટમાંથી પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ આ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.