મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા કાર્યરત 181 અભયમ હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી.અભયમ હેલ્પલાઇનના હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ કાઉન્સેલર સેજલબેન પટેલ દ્વારા તમામ દીકરીઓને 181 હેલ્પલાઇનની કામગીરીની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, અભયમ રેસ્ક્યુવાન દ્વારા જરૂરિયાતમંદ મહિલાને તાત્કાલિક સહાય અને સેવાઓ આપવામાં આવે છે,અભયમ 181 મહિલા હેલ્પલાઈન 24×7 કલાક નિઃશુલ્ક ટોલ ફ્રી સંપર્ક કરી શકાય છે.આ હેલ્પલાઈનને રાજ્યની અન્ય હેલ્પલાઈન જેવી કે પોલીસ હેલ્પલાઈન-1091 , ચાઈલ્ડ હેલ્પલાઇન - 1098,મહિલા આયોગ હેલ્પલાઈન - 18002331111 સાથે પણ જોડવામાં આવેલ છે.મહિલા કે દિકરીઓ સાથે શારીરિક, જાતીય માનસિક,સતામણી થતી હોય, કોઈ લુચ્ચા લફંગા દિકરીઓને હેરાન પરેશાન કરતા હોય તો 181 અભયમને કોલ કરવાથી અમદાવાદ હેડક્વાર્ટર ખાતે કોલ રિસીવ થાય ત્યાંથી જે તે બનાવ કે કોલ કરેલ સ્થળે રહેલી રેસ્ક્યુવાનને કોલ આવે અને તાત્કાલિક વાન બનાવ સ્થળે પહોંચી જાય છે.અને બહેન કે દીકરીને મદદ કરે છે.આમ 181 અભયમ એ મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.