મોરબી : મચ્છુ-3 જળાશય 90% સુધી ભરાઈ જતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. ડેમના હેઠવાસના આવતા 19 જેટલા ગામોને સાવચેત રહેવાની સૂચના જાહેર કરવામાં આવી છે.આજે બપોરે 2:45 વાગ્યે રાજકોટ ક્વાલિટી કંટ્રોલ સબ ડિવિઝનના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ડેમ પૂર્ણ ભરાતાં કે રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. આથી સુરક્ષાના ભાગરૂપે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ અવરજવર ન કરવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.જળાશયની વર્તમાન પરિસ્થિતિ અંગે જોઈએ તો મચ્છુ-3 ડેમની પૂર્ણ જળ સપાટી (F.R.L.) 28.7 મીટર છે, જેની સામે હાલની પાણીની સપાટી 26.53 મીટરે પહોંચી ચૂકી છે. ડેમમાં હાલમાં 4.892 ઘનમીટર જેટલો કુલ જળજથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી હાલ 662 ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) થઈ રહી છે, જ્યારે જાવક (આઉટ ફ્લો) હાલ 0 ક્યુસેક છે. ફ્લડ મેમોરેન્ડમ 2026 ની યાદી મુજબ આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મોરબી અને માળિયા તાલુકાના કુલ 19 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળિયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, ગુંજન, નાગડવાસ, બહાદુરગઢ અને સોખડા ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માળિયા તાલુકાના ડેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિડરકા, ફતેપર, માળિયા (મીં) અને હરિપર ગામના લોકોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Machchhu3 #HighAlert #Monsoon2026 #MorbiNews #GujaratRain