ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની સતત આવક, નદીમાં 76308 ક્યુસેક પાણી છોડાયું : મોરબી અને માળિયાના 32 ગામોને સાવચેત કરાયામોરબી અપડેટ : મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક ચાલુ છે. ત્યારે બપોરે 3 વાગ્યે ડેમના 12 દરવાજા 10 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. હાલમાં દરવાજામાંથી 76308 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા જ મચ્છુ નદીનું જળ સ્તર વધી રહ્યું છે. હાલ મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મોરબીના બેઠો પુલ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે મોરબી મહાનગરપાલિકા, દબાણ શાખા તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. મચ્છુ-2 ડેમની વર્તમાન સ્થિતિની માહિતી મુજબ ડેમમાં બપોરે 3 વાગ્યે 76 હજાર ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) થઈ રહી છે, જેની સામે ડેમના 12 દરવાજા 10 ફૂટ ખોલી તેટલું જ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું હોવાથી વહીવટી તંત્ર દ્વારા મોરબી તાલુકાના 22 અને માળિયા તાલુકાના 10 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી તાલુકાના હાઈ એલર્ટ કરાયેલા ગામોમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપરનો સમાવેશ થાય છે. જ્યારે માળિયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) અને રાસંગપર ગામોને પણ હાઈ એલર્ટ પર રખાયા છે.તંત્ર દ્વારા ઉપરોક્ત ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, લોકોને પોતાની માલ-મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Machhu2Dam #HighAlert #MorbiNews #GujaratWeather #DamOverflow #Monsoon #GujaratRain