ડેમમાં પાણીની સતત આવક રહી તો 12થી 15 કલાકમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા, અંદાજે 2થી 5 દરવાજા ખોલવા પડે તેવી સંભાવનામોરબી : મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થવાને આરે છે. ડેમ હાલ તેની કુલ ક્ષમતાના ૯૨% જેટલો ભરાઈ ચૂક્યો છે અને તેમાં પાણીની આવક હજુ પણ ચાલુ છે. ડેમનું ૩૩ ફૂટનું લેવલ છે, જેમાંથી તે લગભગ ૩૨ ફૂટ ભરાઈ ગયો છે. જો પાણીની આવક આ જ ગતિએ ચાલુ રહેશે, તો આગામી ૧૨ થી ૧૫ કલાકમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે, જેના કારણે ડેમના દરવાજા ખોલવાની જરૂર પડશે.ડેમ અધિકારીના જણાવ્યા અનુસાર, ગત રાત્રે ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદને કારણે ૯૦૦૦ ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ હતી, જે સવારે ઘટીને ૭૦૨૭ ક્યુસેક થઈ છે. આ આવક ચાલુ રહેતા, આજે રાત્રે ૮ થી ૧૨ વાગ્યાની આસપાસ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. સતત બીજા વર્ષે મચ્છુ-૨ ડેમ ભરાતા મોરબી તાલુકા અને માળિયા તાલુકાના લોકોને પીવા તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. જે મોરબીવાસીઓ માટે આનંદની વાત છે. ગયા વર્ષે ડેમના ૩૩ દરવાજા બદલવા માટે ડેમ સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો, છતાં આ વર્ષે ભારે વરસાદને કારણે તે ફરી ભરાઈ ગયો છે.ડેમના દરવાજાના આયુષ્ય અંગે વાત કરતા અધિકારીએ જણાવ્યું કે દરવાજાની સુરક્ષા ઘણા પરિબળો પર આધાર રાખે છે, પરંતુ સામાન્ય રીતે ૩૦ થી ૪૦ વર્ષ સુધી તેમને બદલવાની જરૂર પડતી નથી. ડેમ બન્યા બાદ પહેલીવાર આ દરવાજા બદલવામાં આવ્યા છે.અધિકારીએ પાણી છોડવા અંગેની ગેરસમજણ દૂર કરતા જણાવ્યું કે ડેમમાંથી પાણી ક્યારે અને કેટલું છોડવું તે ઘણા પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. ઘણીવાર ડેમ ખાલી રાખવામાં આવે છે જેથી વરસાદનું પાણી તેમાં સંગ્રહ કરી શકાય. પરંતુ વરસાદ ઓછો પડે તો ડેમ ખાલી રહી જતા હોય છે. બીજી તરફ, નર્મદાનું પાણી ડેમ સુધી પંપિંગ દ્વારા લાવવાનો ખર્ચ પણ વધારે હોય છે. ગયા વર્ષે ૨૪ કલાકમાં ડેમ ૩૫% થી ૧૦૦% ભરાઈ ગયો હતો, જેના કારણે ૩.૬૩ લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી, પરંતુ આ વર્ષે એવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા ઓછી છે. જો ડેમમાં આવક વધશે તો આજે રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યાની આસપાસ અંદાજે ૨ થી ૫ દરવાજા ખોલવામાં આવી શકે છે. પરંતુ તે નિર્ણય આગામી પરિસ્થિતિને ધ્યાને રાખીને લેવામાં આવશે.