ગરબા, ધૂપ, અગરબત્તી, ચણિયાચોળી, માતાજીના શૃંગારની ધૂમ ખરીદી શરૂ મોરબી : આદ્યશક્તિ મા નવદુર્ગાના નવરાત્રી પર્વ આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોરબી શહેર અને જિલ્લામાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ચોકે ચોકે મંડપ બંધાયા છે અને રોશની શણગાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ નવરાત્રી પર્વને અનુસંધાને બજારમાં પણ ગરબા, ધૂપ, અગરબત્તી, ચણિયાચોળી, માતાજીના શૃંગાર સહિતની ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી શરૂ થતા બજારમાં રોનક દેખાઈ રહી છે.શારદીય આસો નવરાત્રી પર્વની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી સાથે માં નવદુર્ગાની ભક્તિ માટે અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી શહેર જિલ્લામાં નવરાત્રી પર્વને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા ગ્રાઉન્ડની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ શહેરમાં પ્રાચીન ગરબા મંડળો દ્વારા પણ ચોકે ચોકે પ્રાચીન ગરબીના આયોજન માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. સાથે જ મોરબીની બજારમાં ચણિયાચોળી, ગરબા, ધૂપ, અગરબત્તી, અવનવા દીવડા, માતાજીના શૃંગાર, દાંડિયા સહિતની વસ્તુઓની ખરીદી નીકળતા બજારમાં રોનક દેખાઈ રહી છે.100થી 250 વર્ષ જૂની પ્રાચીન ગરબીઓ પરંપરા જાળવીમોરબી શહેર અને જિલ્લામાં 40 વર્ષથી લઈ 250 વર્ષ જૂની ગરબીઓ આજે પણ પ્રાચીન પરંપરા મુજબ યોજાઈ રહી છે. જેમાં મોરબીના શક્તિ ચોક ખાતે યોજાતી પ્રાચીન ગરબીમાં અઘોરનગારા રાસ, દીવડા રાસ, અંગારા રાસ આકર્ષણ જમાવશે. આ ઉપરાંત મંગલભુવન ગરબી, પોલીસ લાઈનની પ્રાચીન ગરબી, ધક્કાવાળા મેલડી માતાજી મંડળ ગરબી, વરિયા મંદિર ગરબી, જય અંબે ગરબી પણ પ્રાચીન પરંપરા મુજબ યોજાશે. સાથે જ મોરબીના અણીયારા તેમજ ખાખરેચી ગામે 200થી 250 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબી, ઘુંટુ ગામે 300 વર્ષ જૂની ગરબી, માળીયા મિયાણાના મોટા દહીંસરા અને મોરબીના બગથળા ગામે યોજાતી પ્રાચીન ગરબીમાં આજે પણ પૌરાણિક પરંપરા જાળવવામાં આવી રહી છે.મોરબીમાં અર્વાચીન રાસોત્સવનો વધતો ક્રેઝ મોરબી શહેરમાં નવરાત્રી દરમિયાન શહેરના તમામ વિસ્તારમાં આજે પણ પ્રાચિન પરંપરા મુજબ માં શક્તિની ભકતી માટે પૌરાણિક ગરબીના અનેક વિધ આયોજન થઇ રહ્યા છે ત્યારે આ વર્ષે મોરબીમાં પ્રાચીન ઉપરાંત અનેક સ્થળોએ ભવ્ય અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સર્વધર્મ સમભાવની ભાવના સાથે રવાપર રોડ ઉપર સંકલ્પ નવરાત્રી મહોત્સવ જેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે, ઉમિયા નવરાત્રી મહોત્સવ, પાટીદાર અને સનાતન નવરાત્રી મહોત્સવ,નિલ્સ સીટી ક્લ્બ આયોજિત નવરાત્રી મહોત્સવ, શક્તિધામ નવરાત્રી મહોત્સવ તેમજ આહીર સમાજ આયોજિત રાસોત્સવ, સામાકાંઠે તમામ વર્ગની બાળાઓ માટે વિના મુલ્યે યોજાતી માં નવરાત્રી મહોત્સવનો સમાવેશ થાય છે.