આજે 26 જાન્યુઆરી - 76મો પ્રજાસત્તાક દિવસ : નામી-અનામી શહીદોના બલિદાનને યાદ કરીને તેમના સપનાનું સમૃદ્ધ, ન્યાયપૂર્ણ અને વિકસિત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લેવાનો અવસરમોરબી : આજે ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. 26 જાન્યુઆરી, 1950ના દિવસે જ્યારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર બન્યું ત્યારથી ભારત એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક બન્યું. આ દિવસે બંધારણ બનાવવામાં આવ્યું હતું, જે ભારતના નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે. સ્વતંત્રતા બાદ આપણે સૌ વિકાસ અને ખુશહાલી માટે સતત પ્રયત્નશીલ છીએ. કેટલાક ક્ષેત્રોમા સફળતા મળી છે તો કેટલાક ક્ષેત્રોમા હજુ વધુ મહેનતની જરૂર છે. છતાં એકંદરે સતત અસ્થિરતાના વિશ્વમાં લોકશાહીને આપણે ટકાવી શક્યા છીએ એટલું જ નહીં વધારે મજબુતીથી સુસ્થાપિત કરી છે. આજના દિવસે અંગ્રેજો શાસનથી દેશને આઝાદી અપાવવા સર્વસ્વ ન્યોછાવર કરનારા નામી-અનામી શહીદોના બલિદાનને યાદ કરી તેમના સપનાનું સમૃદ્ધ, ન્યાયપૂર્ણ અને વિકસિત ભારત બનાવવા પોતાની ભૂમિકા ભજવવાની પ્રતિજ્ઞા લઈએ.આજે પણ આપણે વિકાસશીલ દેશ છીએ. કુદરતી સંસાધનોથી ભરપુર ભૂમિના સંતાનો હોવા છતાં કુપોષણ, ભૂખમરો, અશિક્ષણ, બાળમજૂરી, બેકારી, જેવી પાયાની સમસ્યાઓને પણ હલ કરવામાં પૂર્ણ સફળ થયા નથી. આર્થિક અસમાનતા અને મહિલા સશસ્ત્રીકરણ ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. સામાજિક ન્યાય, આરોગ્ય અને સમતાપૂર્ણ સમાજના નિર્માણનો ધ્યેય અપૂર્ણ છે. તેમ છતાં, આજે આપણો દેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થ-વ્યવસ્થા છે. દુનિયાની ત્રીજા ક્રમની સૈન્ય શક્તિ હોવા સાથે અવકાશ સંશોધન ક્ષેત્રે દુનિયામાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. ન્યુક્લિયર શક્તિ હોવા સાથે અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. દુનિયાની સૌથી વધુ યુવાન વસ્તી ધરાવતો આપણો દેશ આવનાર પડકારોનો સામનો કરવા કટીબદ્ધ છે. આ દેશમાં આજે તેજસ જેવા વિમાનોથી લઇ અગ્નિ જેવી મિસાઈલ બનાવવાની ક્ષમતા છે. મંગલ મિશનની સફળતા આપણા વૈજ્ઞાનિક વિકાસને દર્શાવે છે તો દુનિયાનો કોઈ દેશ કે પ્રજા ભારતને અવગણી ના શકે તેવું વૈશ્વિક મહત્વ મેળવી ચુક્યા છીએ. અનેક સફળતાઓ મેળવી છે અને હજુ તેથી વધુ કરવાનું બાકી છે.આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતે બ્રિટિશ શાસનથી કેવી રીતે સ્વતંત્રતા મેળવી અને કેવી રીતે તેણે પ્રજાસત્તાક બનવાની સફર કરી. નવી દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક દિવસ પર એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. તેમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ, ત્રણેય સેનાઓ દ્વારા શક્તિ પ્રદર્શન અને રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને સંબોધન શામેલ છે. પ્રજાસત્તાક દિવસ એ બંધારણના મૂલ્યોને જાળવી રાખવામાં તેમની ભૂમિકા પર ચિંતન કરવાનો અવસર છે. તે આપણને જવાબદાર નાગરિક બનવાની અને રાષ્ટ્રમાં સકારાત્મક યોગદાન આપવાની આપણી ફરજની યાદ અપાવે છે.