ટંકારા : ટંકારામાં હોસ્પિટલમાં તાવ-શરદી-ઉધરસના કેસોના દર્દીઓ ઉભરાઈ છે.છતાં પણ ટંકારા તંત્ર દ્વારા એમ.ડી.ડોક્ટરની જગ્યા ભરવામાં આવતી નથી.એક એમ.બી.બી.એસ. ડોક્ટરોને પણ ડેપ્યુટેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. ટંકારા તાલુકામાં કોરોનાની ત્રીજી લહેરમાં રેકોડતોડ કેસો નોંધાયા છે.તાવ ઉધરસ શરદી અને વાયરસથી હોસ્પિટલમાં દૈનિક ૫૦૦ જેટલા દર્દીઓ આવી રહ્યા છે.સૌથી મોટી વિડંબણા એ છે કે એકાદ લાખની વસ્તી ધરાવતા તાલુકાને એક એમ.ડી.ડોક્ટર પણ મળ્યો નથી.જેના કારણે સરકારી દવાખાનું શોભાના ગાંઠીયા સમાન બની ઉભુ છે.દવા લેવા આવનાર મજબુરી સિવાય પગથયુ ચડવામાં પણ સંકોચ અનુભવે છે. આજે દેશ ગણતંત્ર બન્યાને ૭૩ વર્ષ થયા પરંતુ ટંકારાનુ આંધળું,બહેરૂ અને જાડી ચામડીનું તંત્ર અને નેતાઓને પ્રજાનો અવાજ ન તો કદી સંભળાયો છે કે ન તો એના માટે બોલાયુ છે.છેલ્લા ૧૬ વર્ષથી એક માત્ર સરકારી દવાખાનામાં એમ.ડી.ડોક્ટરની જગ્યા ભરવામાં આવી નથી.આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ છે પણ કાયમી ડ્રાઈવર નથી.ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવા માટે પણ કોઈને રાખવામાં આવેલ નથી.સરકારી દવાખાનામાં એમ.બી.બી.એસ.ડોક્ટર હાજર હતા તેઓને પણ ડેપ્યુટેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. સૌથી ઓછું વેકશીનેશન અહીની સીએચસી ખાતે થયું છે.છતા તપાસના આદેશ છુટયા નથી.અહી બીજી લહેરમાં એક પણ દર્દીની સારવાર કરવામાં ન આવી છતા કોઈ પગલા લેવાયા નથી.તેથી લોકોને આરોગ્યની પૂરતી સુવિધાઓ મળે એ માટે તાત્કાલિક અસરથી એક એમ.ડી.ડોક્ટરની જગ્યા ભરવા માંગ ઉઠી છે.