મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા મચ્છુ-1 જળાશય 100 ટકા ભરાયો છે. ડેમમાં હાલ પાણીની આવક (ઇન-ફ્લો) 2655 ક્યુસેક છે, જ્યારે પાણીનો આઉટ-ફ્લો 623 ક્યુસેક છે, જે સતત વધી રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ અસરગ્રસ્ત ગામોમાં અદેપર, લખધીરનગર, લીલાપર, મકનસર વાંકાનેર, ધમલપુર, ઢુવા, ગરિયા, હોલમઢ, જાલસીકા, કેરાળા, લુણાસરીયા, મહિકા, પાજપંજ, પંચાસર, પંચાસિયા, રણકપુર, રસિકગઢ, રાતીદેવળી, શોભવાડા, વઘાસીયા, વાંકિયા, જોધપુર, અને હસનપુરનો સમાવેશ થાય છે. આ તમામ ગામોના લોકોને નદીના પટમાં અથવા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અને પોતાની તથા માલ-મિલકતની સલામતી માટે તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.