નગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા પરંતુ પછીની કાર્યવાહી ભૂલી જતા મંજૂરી વગર હોર્ડિંગ્સના ખડકલા ચીફ ઓફિસર કહે છે શહેરમાં કેટલા હોર્ડિંગ્સ છે તેનો સર્વે ચાલુ : સર્વે પૂર્ણ થયે નવો કોન્ટ્રાકટ મોરબી : મોરબી નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર આવ્યા બાદ અનેક કોન્ટ્રાક્ટરોની પોલ છતી થઈ ગઈ છે અને પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર લગામ કસાઈ છે તેવા સમયે જ પાલિકાનું હોર્ડિંગ્સ કોન્ટ્રાકટનું ભૂત ધુણ્યું છે. લાગતા - વળગતાઓને સાચવી લેવા માટે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા છ વર્ષથી શહેરમાં જુદી-જુદી જગ્યાએ ખડકાયેલા હોર્ડિંગ્સ માટેનો કોન્ટ્રાકટ આપવાનું જ વિસરી જતા પાલિકાને કરોડોનું નુકશાન પહોંચ્યું છે તો સામે પક્ષે એડ એજન્સીઓ અને આઉટડોર પબ્લિસિટી એજન્સીઓને બખ્ખા, બખ્ખાં થઈ ગયા છે. મોરબી શહેરમાં પાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર તેમજ ખાનગી - સરકારી મિલ્કત ઉપર લાગવાંમાં આવતા નાના-મોટા હોર્ડિંગ અને સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર લગાડવામાં આવતા બેનરો માટે નિયત ફી વસૂલી કોન્ટ્રાકટ પદ્ધતિથી વાર્ષિક ભાડું ઉઘરાવવામાં આવતું હતું પરંતુ વર્ષ 2016 બાદ મોરબી નગરપાલિકાનો અધરટેકસ વિભાગ હોર્ડિંગ્સની બેઠી આવક દાનમાં આપી દેવામાં આવી હોય તેમ એડ એજન્સીઓ અને આઉટડોર પબ્લિસિટી એજન્સીઓને મન પડે ત્યાં આડેધડ હોર્ડિંગ્સ લગાવવા છૂટો દૌર આપતા હાલમાં પાલિકાની હોર્ડિંગ્સની આવક શૂન્ય થઇ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા હોર્ડિંગ્સ કોન્ટ્રાકટ આપવા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ બાદમાં આ ફાઈલ અભેરાઈએ ચડાવી દેવામાં આવતા ફરી એક વખત એડ એજન્સીઓ અને આઉટડોર પબ્લિસિટી એજન્સીઓને જલસા પડી ગયા છે. અગાઉ 2016માં શહેરમાં અંદાજે 150 જેટલા હોર્ડિંગ્સ હોવા છતાં પાલિકાને 6 લાખ જેવી આવક થતી હતી ત્યારે હાલમાં શહેરમાં આડેધડ 500 હોર્ડિંગ્સ ખડકાયેલા હોવા છતાં ફદીયુંય વસુલવામાં ન આવતા પાલિકાની તિજોરીને કરોડોનું નુકશાન પહોંચ્યું છે. જો કે, ચીફ ઓફિસર ઝાલાએ હાલમાં હોર્ડિંગ્સ કોન્ટ્રાકટ માટે સર્વે હાથ ધરાવ્યો હોવાનું જણાવ્યું હતું.