વેદકાળમાં વર્ષનો પ્રારંભ માગશર મહિનાથી થતો અને એ જ સમયે વસંત ઋતુ પણ આવતી હોવાની માન્યતામોરબી : માગશર મહિનો વિક્ર્મ સંવતનો બીજો મહિનો છે, જે આજથી શરૂ થાય છે. આ મહિના પહેલાં કારતક મહિનો હોય છે, જ્યારે પોષ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ શક સંવતનો નવમો મહિનો છે. સંસ્કૃતમાં માગશરને માર્ગશીર્ષ કહે છે. માગશર માસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનાના દેવતા શ્રીકૃષ્ણ માનવામાં આવે છે.માગશર મહિનાનું મહત્વહિંદુ શાસ્ત્રોમાં માગશર માસને સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કે મહિનાઓમાં, હું માગશર છું. આ મહિનાથી સત્યયુગની શરૂઆત માનવામાં આવે છે. કશ્યપ ઋષિએ પણ આ મહિનામાં કાશ્મીરની રચના કરી હતી. આ મહિનો જપ, તપ અને ધ્યાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું વિશેષ ફળદાયી છે. સત્યયુગમાં દેવતાઓએ માગશરની પ્રથમ તિથિથી વર્ષની શરૂઆત કરી હતી. ‘દત્તાત્રેય જયંતિ’ માગશરની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.વેદકાળની વાત કરવામાં આવે તો વેદકાળમાં વર્ષનો પ્રારંભ માગશર મહિનાથી થતો હતો અને એ જ સમયે વસંત ઋતુ પણ આવતી હતી. જો કે વર્તમાનમાં આ બંને અલગ-અલગ થઇ ગયા છે. વર્તમાન સમયમાં શક સંવતનો પ્રારંભ ચૈત્ર માસમાં થાય છે તો ગુજરાતમાં કારતક મહિનામાં વર્ષનો પ્રારંભ થાય છે. એટલું જ નહીં માગશર મહિનો સાધના માટેનો કહેવામાં આવે છે. આજે પણ સૌથી વધુ લગ્નો માગશરમાં થાય છે અને શાસ્ત્ર અનુસાર નવા મકાન માટે પણ આ મહિનો ઉત્તમ છે.તંત્રશાસ્ત્ર અનુસાર પણ માગશર મહિનો સાધના માટે સર્વોત્તમ છે. સામાન્ય રીતે માગશર, મહા, વૈશાખ મહિનાને પણ તંત્રશાસ્ત્રમાં ઉત્તમ ગણવામાં આવ્યો છે અને તેમાં પણ માગશર મહિનાનું મહત્ત્વ અતિવિશિષ્ટ છે અને માટે જ મંત્રસાધના માટે પણ આ સર્વશ્રેષ્ઠ મહિનો ગણવામાં આવ્યો છે.