આમાં નબળા કામ જ થાય ! ચૂંટાયેલી પાંખના 6 ટકા, વહીવટી પાંખના એથી પણ વધુ, વજનદાર નગરસેવકોનો પણ ભાગ, બિલ પાસ કરવા ટાઈમે પ્રસાદી ધરવી પડે એ અલગ મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં ભ્રષ્ટાચારનો લૂણો બરાબરનો પ્રસર્યો છે ત્યારે મોરબી નગરપાલિકા પ્રમુખના પતિના 6 ટકા કમિશનના વાયરલ વીડિયોએ મોરબીમાં ચાલતા વિકાસ કામોની પોલ છતી કરી નાખી છે, મોરબી શહેરમાં બનતા રોડ બે ચાર મહિનામાં જ તૂટી જવા, સ્ટ્રીટ લાઈટો ગુલ થઈ જવાની બાબત હોય કે પછી કચરો ઉપાડવાની બાબત હોય એ નવા વિકાસ કામો હોય... આ તમામ બાબતોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખની કમિશન ખાઉં નીતિને કારણે અંતે તો પ્રજાને ભોગવવાનો વારો આવે છે.... જો કે ભ્રષ્ટાચારના આ ઊંડા દરિયામાં કન્સલ્ટન્ટ એજન્સી કે પેઢીની ભૂંડી ભૂમિકા હોય છે અને મોટાભાગના વહીવટો તેમના હસ્તક જ થતા હોય છે. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મહિલા નગરસેવકના પતિ કમ કોન્ટ્રાકટર અને પાલિકા પ્રમુખના પતિ સાથે કોન્ટ્રાક્ટના કામમાં કમિશન ખાવાને લઈ વાયરલ થયેલા વીડિયોએ મોરબી નગરપાલિકામાં ચાલતી ભ્રષ્ટાચારની પોલ છતી કરી છે. જો કે વાયરલ વિડીયો બાદ શાસક પક્ષની આબરૂ ધૂળધાણી થતા પાલિકા પ્રમુખના પતિ સામે કરેલા આક્ષેપોને મજાક મસ્તી પણ ગણાવવામાં આવી રહ્યા છે. અગત્યની બાબત એ છે કે આ વીડિયોમાં ચર્ચાતું લાલા નામનું પાત્ર ઘણું ઘણું કહી જાય છે, મસ્તી ગણાવાતા આ વીડિયોમાં પાલિકા પ્રમુખના પતિ સ્પષ્ટ પણે ક્હેતા જણાય છે કે એ કમિશન તો લાલોએ માંગ્યું હશે.. કે લાલો લઇ ગયો હશે ! આ સ્થિતિમાં ભાજપ દ્વારા પક્ષની આબરૂ દાવ ઉપર લગાવનાર લાલાને તેમજ જેમના પર આક્ષેપ થયા છે તેવા લોકો સામે પણ પગલાં લેવા જોઈએ જો કે હકીકત તો એ છે કે મોરબી જ નહીં તમામ પંચાયત, પાલિકા, મહાપાલિકા સહિત જ્યાં-જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય ત્યાં કોન્ટ્રાક્ટના કે અન્ય કામોમાં કમિશન કમ ટકાવારી લેવાતી હોવાની વાત સાવ સામાન્ય છે પરંતુ પાપ છાપરે ચડે ત્યારે પોકારે ઉક્તિ મુજબ મોરબીમાં વાયરલ વિડીયો બાદ નગ્ન સત્ય પ્રજા સામે આવ્યું છે. મોરબી પાલિકામાં વર્ષોથી ચૂંટાયેલી અને વહીવટી પાંખમાં ટકાવારી ચાલતી જ આવે છે અને આવા ભ્રષ્ટાચાર આચરવામાં મુખ્ય રોલ ભજવતા કન્સલ્ટન્ટને પણ બક્ષવા ન જોઈએ. જો કે, હાલમાં મોંઘવારીનો ગ્રાફ ઉંચો જતા આ ટકાવારીને મોંઘવારી નડતા કોન્ટ્રાકટરોની પણ રાડ પડી ગઈ છે. હાલમાં મોરબી પાલિકાના કર્તા, હર્તા સમાહર્તા એવા મુખ્ય પદાધિકારીઓને બબ્બે ટકા લેખે છ ટકા, વહીવટી પાંખના સુપ્રીમો માટે પણ આટલી જ કે કામ પ્રમાણે એથી વધુ ટકાવારી તેમજ કામ પૂર્ણ થયે નિયમ મુજબ બિલ મંજૂરી સમયે એકાઉન્ટ - હિસાબી શાખાને સાચવવી પડે અને એથી આગળ વગદાર નગરસેવકોને પણ સાચવવા કોન્ટ્રાકટરો માટે ફરજીયાત હોય છે. આ સંજોગોમાં એ પણ હકીકત છે કે સરકારી કામોમાં સમયમર્યાદામાં નાણાં આવતા ન હોવાનું જાણવા છતાં ટેન્ડરમાં દર્શાવાયેલ ભાવથી ડાઉન ભાવે કામ રાખીને કામ કરતા કોન્ટ્રાકટરોને અધિકારી,પદાધિકારી,નગરસેવક, કન્સલ્ટન્ટ એજન્સીને નિવેદ ધાર્યા બાદ વિકાસ કામો કરવા પડતા હોય રોડ બે મહિનામાં જ તૂટે અને લાઈટો પણ બંધ જ થાય.... અને ગટરો પણ છલકાય.... જ