આખા તાલુકા વચ્ચે એક જ આધારકાર્ડ સેન્ટર હોવાથી અરજદારો હેરાનમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકામાં આધારકાર્ડની કામગીરી માટે આધાર સેન્ટર પર દરરોજ લાંબી લાઈનો લાગી રહી છે જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. માળિયા (મિયાણા) તાલુકામાં હાલ આધાર કાર્ડની કામગીરી માટે 40 ગ્રામ પંચાયત અને માળિયા શહેર માટે એકમાત્ર આધારકાર્ડ સેન્ટર તાલુકા કક્ષાએ ચાલી રહ્યું છે. જેના કારણે આખા તાલુકાના અરજદારો એક સેન્ટર પર આવી રહ્યા છે જેના કારણે લાંબી લાઈનો લાગે છે.વહેલી સવારથી જ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારો સવારથી જ કતારોમાં લાગી જાય છે. એકમાત્ર આધાર કીટ હોવાથી દરરોજ વધુમાં વધુ 40 અરજદારોના જ કામ થઈ શકે છે. જેના કારણે બાકી રહી જતાં લોકોને બીજા દિવસે ધક્કો ખાવો પડે છે. આમ તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા તાલુકાની પ્રજાને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ત્યારે તાલુકામાં વધુ આધારકાર્ડ સેન્ટરો ખોલવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકોની માગ છે.