ચોમાસુ ટનાટન જતા શહેરમાં 75 ટકા વિસ્તારમાં દરરોજ અને 25 ટકા વિસ્તારોમાં એકાતરા પાણી વિતરણ મોરબી : મોરબીમાં ગત વર્ષ ચોમાસામાં ભરપૂર વરસાદ પડ્યો હતો. જો કે ચોમાસાની સિઝનના ત્રણ માસમાં ઓછો વરસાદ પડતાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમ 50 ટકા જ જેવો ભરાયો હતો. પણ ભાદરવો ભરપૂર જતા આ સૌથી મહાકાય અને મધર ડેમ ગણાતો મચ્છુ ડેમ ઓવરફ્લો થવામાં એક વેંતનું છેટું રહી ગયું હતું. ચોમાસાની સીઝનમાં 974 મિમી એટલે 39 ઈંચ જેટલો વરસાદ પડતાં મચ્છુ ડેમ ઓવરફ્લો થયો ન હતો.પણ છલોછલ ભરાય અવશ્ય ગયો હતો. એટલે ઉનાળામાં જળસંકટ નહિ સર્જાય એવું મનાતું હતું. પણ આ ડેમ મધર ડેમ હોય સૌની યોજના સાથે જોડાયેલો હોય શહેરને પાણી પૂરું પાડવાની સાથે સિંચાઈ તેમજ અન્ય ડેમોમાં પણ પાણી પહોંચાડતું હોવાથી હવે ડેમ 42 ટકા ભરેલો હોય ત્યારે આગામી ઉનાળામાં પાણીની કોઈ કટોકટી નહિ સર્જાઈ તેવું આયોજન કર્યું હોવાનો તંત્રએ દાવો કર્યો છે. 3 લાખથી વધુ વસ્તી ધરાવતા મોરબી શહેરને પાણી પૂરું પડતો આ મુખ્ય મચ્છુ-2 ડેમ છે. મોટાભાગે મચ્છુ ડેમમાંથી અને નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં આ ડેમમાંથી મોરબી શહેરની પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે પાલિકા દ્વારા 64 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે અને 12 એમએલડી નર્મદાનું મળીને 76 એમએલડી જેટલું પાણી શહેર અને આસપાસના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. મચ્છુ ડેમમાં હાલ 1356 એમસીએફટી પાણી સંગ્રહિત છે.તેમાંથી દરરોજ 20 એમસીએફટી પાણી ઉપાડવા આવે છે અને પાલિકા દ્વારા 8થી 9 એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. બાકીનું પાણી નર્મદા કેનાલમાંથી ઉપાડવા આવે છે. મોરબી શહેરની પાણીની જરૂરિયાત છે એમાં મોરબી નગરપાલિકામાં 34500ની નળ કનેક્શનની સંખ્યા છે અને છેલ્લા વર્ષોમાં દર વર્ષે 200 થી 250 જેટલા નળ કનેક્શન વધે છે. દર મહિને 15 થી 20 જેટલા નળ કનેક્શન વધવાની ડિમાન્ડ રહે છે. લોકો પાસેથી એક નળ કનેક્શન દીઠ વાર્ષિક રૂ.600 નો વેરો લેવામાં આવે છે. શહેરને શુદ્ધિકરણ કરેલું પાણી મળે છે અને મોરબી શહેર વિસ્તારમાં દરરોજ અને 25 ટકા વિસ્તારમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે અને લોકોને દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી પાણી મળે છે. મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે જણાવ્યું હતું કે, ઉનાળામાં પાણીની માંગને પહોંચી વળવા તાજેતરમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી. જેમાં ઉનાળામાં પાણીની કટોકટી ન થાય તે માટે સૌની યોજના હેઠળ ડેમો ભરવા માટે સરકારમાં દરખાસ્ત કરાશે. હાલ ઉનાળા માટે 8 એમએલડી પાણીની માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં છેવાડાના વિસ્તારમાં તેમજ છેલ્લા પાંચ વર્ષમાં નવી બનેલી 40 સોસાયટીઓ તેમજ 115 વાડી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા 9 કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે અને વર્ક ઓર્ડર નીકળી ગયો હોય વહેલીતકે આ કામ શરૂ થાય તેવા પ્રયાસો ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું.