મોરબી વાળાને આજથી જગચોર્યાસીનો ધક્કો ખાવામાંથી મુક્તિ મોરબી : છેલ્લા ચારેક મહિનાથી મોરબી રાજકોટ વચ્ચે આવાગમન કરતા લોકોને રાજકોટની માધાપર ચોકડી ખાતે જગચોર્યાસીનો ફેરો ફરવા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે આજે રાજકોટ કલેકટરના આદેશ બાદ અધૂરા ઓવરબ્રિજ નીચેનો ભાગ ખુલ્લો મુકવામાં આવતા મોરબીથી આવાગમન કરતા લોકોને મોટી રાહત મળી છે. રાજકોટ માધાપર ચોકડી ખાતે છેલ્લા ત્રણેક વર્ષથી ઓવરબ્રિજ પ્રોજેકટ શરૂ કરાયો છે જેમાં ચોકડીના મધ્યભાગના પુલના કામ માટે છેલ્લા ત્રણ ચાર મહિનાથી મુખ્ય ચોક બંધ કરી દેવતા મોરબી આવન જાવન માટે તમામ વાહનોને એક કિલોમીટરથી વધુનો ધક્કો ખાવો પડતો હતો. બીજી તરફ પુલનો મધ્યભાગ હાલમાં પૂર્ણ થઈ જતા લોકોની વ્યાપક રજુઆત બાદ આજથી મોરબીથી રાજકોટ 150 ફૂટ રિંગ રોડ તરફ જતા રસ્તાને ખોલી નાખવામાં આવતા લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી છે.