વાંકાનેર : વાંકાનેર શહેરમાં છેલ્લા દસ દિવસથી લોકોને મળતું પીવાનું પાણી અતિ દુર્ગંધયુક્ત તેમજ ડહોળું મળતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાંકાનેર વાસીઓએ અવારનવાર આ બાબતે નગરપાલિકાને જાણ કરેલ હોવા છતાં આજ દિન સુધી આ પ્રશ્નનો કોઈ નિવાળો આવ્યો નથી. અને લોકો મજબૂરીવશ આ દુર્ગંધયુક્ત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આ બાબતે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સાથે વાત કરતાં તેઓએ જણાવેલ કે વાંકાનેર શહેરને પીવાનું પાણી આપવા માટે મચ્છુ 1 ડેમથી વાંકાનેરમાં પાણી આવી રહ્યું છે. જેને ફિલ્ટર કરી ક્લોરિન યુક્ત પાણી શહેરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડહોળું પાણી મળતું હોવાની ફરિયાદ બાદ અમોએ મચ્છુ 1 ડેમ ખાતે તપાસ કરતાં ત્યાં માછલાઓ મરી ગયેલ હોવાથી પાણીમાં પીળાશ આવી ગયેલ જોવા મળેલ જે પાણીને ચોખ્ખું કરવાં માટે પાણીને ફિલ્ટર ઉપરાંત ક્લોરિન યુક્ત બ્લીચીંગ કરેલ તેમ છતાં ફરિયાદો રહેતાં મચ્છુ 1 ડેમના પાણીને લેબોરેટરી કરવાની હાલ તજવીજ હાથ ધરેલ છે અને એકાદ-બે દિવસમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. જોકે મચ્છુ 1 ડેમથી મળતાં પાણીમાં વારંવાર ફરિયાદો રહે છે તો વાંકાનેર નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી પીવા માટે વિતરણ કરવામાં આવે તેવી લોક લાગણી જન્મી છે.