ગ્રામ પંચાયતથી લઈને ધારાસભ્ય સુધી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય : સ્થાનિક આગેવાને વિડીયો જાહેર કરી વ્યથા ઠાલવીમોરબી: મોરબી નજીક આવેલા ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશો રસ્તાની સમસ્યાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિકાસના મોટા દાવાઓ વચ્ચે આ સોસાયટીના સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક રહીશોની ફરિયાદ મુજબ, વરસાદ પડતાં જ આખી શેરી ગારા અને કીચડથી ભરાઈ જાય છે. રસ્તાની બિસ્માર હાલતના કારણે ચાલવામાં તકલીફ પડે છે, જેમાં ઘણીવાર વૃદ્ધો પડી જાય છે. બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, બીમારીના સમયે દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગંભીર સમસ્યા અંગે ગ્રામ પંચાયત, સરપંચ, તાલુકા પંચાયત અને ધારાસભ્ય સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ જ વિકાસ છે? શું સામાન્ય નાગરિકોને સારો રસ્તો અને મૂળભૂત સુવિધા મેળવવાનો અધિકાર નથી?#MorbiUpdate #MorbiNews #GhutuVillage #RamcoVillageSociety #RoadProblem #Morbi #GujaratNews #GujaratGovernment