સ્થાનિકો અને કોંગ્રેસ આગેવાનોએ મેયર અને કમિશનરને રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા અને આવાસ યોજનાનો લાભ આપવા કરી માંગમોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલ સાવરની પાળ અને આજુબાજુના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવીને આ વિસ્તાર ગમે ત્યારે ખાલી કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને પગલે આજે સાવરની પાળના રહીશો મોટી સંખ્યામાં મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને મેયર તથા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા પણ સ્થાનિકો સાથે જોડાયા હતા. રહીશોએ માંગ કરી છે કે વિકાસના કામો સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ હાલ ચોમાસાની સિઝન હોવાથી ડીમોલેશનની કામગીરી મુલતવી રાખવામાં આવે.300 થી 400 પરિવારો બેઘર થવાની ભીતિ, વૈકલ્પિક વ્યવસ્થાની માંગરહીશો દ્વારા મેયરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, આ વિસ્તારમાં આશરે 300 થી 400 જેટલા ગરીબ પરિવારો વસવાટ કરે છે. જો અત્યારે ડીમોલેશન કરવામાં આવે તો આ વરસાદી માહોલમાં આટલા બધા પરિવારોની તાત્કાલિક રહેઠાણની વ્યવસ્થા થઈ શકે તેવી સ્થિતિ નથી. આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો ગરીબ અને અશક્ત છે જેઓ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ ચોમાસાની સિઝનમાં ધંધો રોજગાર ઠપ હોવાથી તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં દર્દીઓ, વૃદ્ધો અને બાળકો પણ રહે છેવધુમાં આવેદનમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓ, કેન્સર અને ટીબી જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ, શાળાએ જતા બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો પણ રહે છે. આ પરિવારો મચ્છુ હોનારત પહેલાથી અહીં વસવાટ કરે છે અને આજદિન સુધી તેમને કોઈપણ આવાસ યોજનાનો લાભ મળેલ નથી. સ્થાનિકોએ માંગ કરી છે કે માનવતાના ધોરણે આ પીડિતો અને ગરીબોને આવાસ યોજના કે સરકારના રાહત દરના મકાનોની ફાળવણી કરવામાં આવે. જો મકાન ફાળવી શકાય તેમ ન હોય તો તેમને રહેઠાણ માટે ખાલી પ્લોટ ફાળવવામાં આવે. જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડીમોલેશનની કામગીરી સ્થગિત કરવા અપીલ કરવામાં આવી છે.ડિમોલિશનની તારીખ હજુ નક્કી નથી, રહીશોને યોગ્ય ન્યાય અપાશે : મેયરમોરબીમાં સાવરની પાળ ખાતે ડિમોલિશન ન કરવા અંગે રહીશો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અંગે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું છે કે, ડિમોલિશન કયા દિવસે કરવાનું છે તે હજુ નક્કી નથી. પરંતુ રહીશોને યોગ્ય ન્યાય મળે તે માટે અધિકારીઓ સાથે સંકલન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. રહીશોની માંગ છે કે ડિમોલિશન પહેલા વૈકલ્પિક આવાસ આપવામાં આવે, જેને મેયરે સાચી ગણાવી છે. મેયરે જણાવ્યું હતું કે, જે લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે પરંતુ તેઓ ત્યાં રહેતા નથી અને ભાડે આપી દીધા છે, તેવા કિસ્સાઓમાં અધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લોકોને આવાસ ફાળવવામાં આવશે. બે દિવસ પહેલા મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી કે જે 500 અને 667 જેટલા આવાસોની ફાળવણી બાકી છે, તેનું તાત્કાલિક અને ઝડપી એલોટમેન્ટ કરવામાં આવે. સાવરની પાળના રહીશોને પણ તેમની જરૂરિયાત મુજબ આવાસ મળી રહે તે માટે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. સાવરની પાળ ખાતે ડિમોલિશન બાદ શું કામગીરી કરવામાં આવશે તે અંગે માહિતી આપતા મેયરે જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તે જગ્યાનું બ્યુટીફિકેશન કરવામાં આવશે અને ત્યાં એક તળાવ બનાવવામાં આવશે.એકને ગોળ, એકને ખોળ... સમાન ધોરણે કાર્યવાહી નહીં થાય તો વિરોધ કાર્યક્રમો કરાશે : પુષ્પરાજસિંહ જાડેજામોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવરની પાળ વિસ્તારમાં હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરી અંગે તંત્રની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે, સામાકાંઠાની પાળનો જે વિસ્તાર છે ત્યાંના કોર્પોરેટર અને મોરબી મહાનગરપાલિકાના મેયર પણ તે જ વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે. આ વિસ્તારમાં આવેલા રિક્રિએશન એરિયામાંથી તમામ દબાણો હટાવવાની વાત ચાલી રહી છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા માત્ર આગળના ભાગના (ફ્રન્ટ ઉપરના) દબાણો જ હટાવવાની કામગીરી થઈ રહી છે. પુષ્પરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને આશંકા છે કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પણ દબાણો હોઈ શકે છે અને આથી જ તંત્ર માત્ર ગરીબોની ઝૂંપડપટ્ટીઓ હટાવવા માટે આગળ આવ્યું છે. તંત્ર દ્વારા 'એકને ગોળ અને એકને ખોળ' ની ભેદભાવભરી નીતિ રાખવામાં ન આવે તેવી તેમણે રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ માંગ કરી છે કે જો ખરેખર રિક્રિએશન એરિયા ડેવલોપ કરવો હોય તો સમગ્ર વિસ્તારનું ડિમોલિશન થવું જોઈએ અને સંપૂર્ણ એરિયા સાફ થવો જોઈએ. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો આગામી દિવસોમાં સમાન ધોરણે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો એક જનપ્રતિનિધિ અને મજબૂત વિપક્ષ તરીકે લોકોને સાથે રાખીને વિરોધના કાર્યક્રમો કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #SavarNiPal #Demolition #MorbiMunicipalCorporation #MorbiNews #GujaratNews