મહાપાલિકાએ તુરંત કામ શરૂ કર્યું, રસ્તો ચાલુ કરી દેવાયો, પણ કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સ્થળ ઉપરથી ન જવાનો સ્થાનિકોનો નીર્ધારમોરબી : મોરબીમાં ચક્કાજામના કાર્યક્રમોનો સિલસિલો હજુ યથાવત જોવા મળી રહ્યો છે. આજે માળિયા- વનાળીયા સહિતના વિસ્તારોના સ્થાનિકોએ જુના રફાળેશ્વર રોડ ઉપર ગટર પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો. જો કે મહાપાલિકાએ કામ શરૂ કરી દેતા ચક્કાજામ તો હટાવી લેવામાં આવ્યો છે પણ સ્થાનિકોએ હજુ ત્યાં જ પડાવ નાખેલો છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે માળિયા-વનાળિયા, સુભાસનગર અને રામદેવનગર સહિતના વિસ્તારોમાં ગટરનો છેલ્લા 14 મહિનાથી પ્રશ્ન છે. જેની અનેક રજૂઆત કરી છે પણ કોઈ પરિણામ મળ્યું નથી. જુના રફાળેશ્વર રોડ પાસેથી મેઈન ડ્રેનેજ લાઈન નીકળે છે. જેની 6 કુંડી છે. 2 કુંડી બંધ છે. પણ આ બંધ કુંડી મળતી નથી. જેના કારણે માળિયા- વનાળિયા સહિતના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે.આ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન મળતા અંતે આજે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે તુરંત મહાપાલિકાની ટીમ આવી જતા તેને કામ શરૂ કરતા ચક્કાજામ હટાવી દેવાયો હતો. હાલ વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિકોનું કહેવું છે જ્યાં સુધી કામનું પરિણામ નહી મળે ત્યાં સુધી અમે હજુ અહીં જ પડાવ નાખીશું.