યુવાનને ગંભીર ઇજા થઇ હોવા છતાં પોલીસે ખૂની હુમલાને બદલે આરોપી પ્રત્યે કુણું વલણ દાખવી હળવી કલમ લગાવ્યાના આક્ષેપ : પૂર્વ ધારાસભ્ય કાંતિલાલની આગેવાનીમાં મોટી સંખ્યા સ્થાનિક લોકોએ કલેકટર અને એસપી સમક્ષ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી મોરબી : મોરબીના ઉમા ટાઉનશિપમાં ગણેશ મહોત્સવમાં આરતી દરમિયાન નડતરરૂપ કાર હટાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા છ શખ્સોએ યુવાન ઉપર છરીથી હુમલો કર્યો હતો. જો કે, યુવાનને ગંભીર ઇજા થઇ હોવા છતાં પોલીસે ખૂની હુમલાને બદલે આરોપી પ્રત્યે કુણું વલણ દાખવી હળવી કલમ લગાવ્યાના આક્ષેપ સાથે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલની આગેવાનીમાં મોટી સંખ્યા સ્થાનિક લોકોએ કલેકટર અને એસપી કચેરીએ દોડી ગયા હતા અને આરોપીઓ સામે ખૂની હુમલાની કલમ લગાડી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા ટાઉનશિપમાં સ્થાનિક લોકો દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન બે દિવસ પહેલા આ ગણપતિ મહોત્સવમાં આરતી કરવાની હોવાથી ચોકમાં નડતરરૂપ પાર્ક થયેલી કાર હટાવી લેવા સ્થાનિકોએ આ કારમાં આવેલા છ શખ્સોને કહ્યું હતું .પરંતુ આ લુખ્ખાતત્વોએ રીતસર લુખ્ખગીરી ઉપર ઉતરી આવી લાજવાને બદલે ગાજીને અહીંના એક યુવાનના માથાના ભારે છરી ઝીકી દીધી હતી. આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાકીદે સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે આ છ હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. પણ સ્થાનિક લોકોના કહેવા મુજબ આરોપીઓ છરીથી મારી નાખવાના ઇરાદે યુવાન ઉપર ખૂની હુમલો કર્યો હોય અને ગંભીર પ્રકારની ઇજા થઇ હોવા છતાં પોલીસે આરોપીઓને બચાવવા સામાન્ય મારામારીની કલમ લગાવ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જિલ્લા કલેકટર અને એસપી કચેરીએ ઘસી ગયા હતા અને બન્ને અધિકારીઓ સમક્ષ આવા લુખ્ખાતત્વોને કડક હાથે ડામી દેવાને બદલે પોલીસે હળવી કલમ લગાવી હોવાની ઉગ્ર રજુઆત કરી હતી અને લુખ્ખગીરી કોઈ કાળે ચલાવી નહિ લેવાય, પોલીસે લુખ્ખગીરી સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. સોસાયટીઓમાં આવા તોફાન કરતા અને લુખ્ખગીરી ચલાવતા તત્વો સામે કડક હાથે કામ લેવા સ્થાનિકોએ એસપી અને કલેકટરને રજુઆત કરી હતી.