મહાનગરપાલિકાને સૂચના આપી હોવા છતાં કામ ચાલુ ન થયુંમોરબી : મોરબીના નાની વાવડી ગામે 50 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ તાત્કાલિક ચાલુ કરવા બાબતે 17 જાન્યુઆરીના રોજ કલેકટરની સૂચના બાદ મામલતદાર દ્વારા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને લેખિત જાણ કરવામાં આવી હતી અને સાત દિવસમાં આ અંગે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. જો કે આમ છતાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ ન થતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અરજદાર વજાભાઇઈ લાંબરીયા તથા અન્ય સ્થાનિકો દ્વારા નાની વાવડી ગામે ગટરનું કામ ચાલુ કરાવવા 7 જાન્યુઆરીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. આ ઓનલાઇન અરજીને લઈને 17 જાન્યુઆરીના રોજ કલેકટરની સૂચના અનુસાર મામલતદાર દ્વારા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આ અંગે નિયમ અનુસાર કાર્યવાહી કરવા તથા કરેલ કાર્યવાહી અંગેની જાણ અરજદારને સાત દિવસમાં કરવા જણાવ્યું હતું. જોકે આજ દિન સુધી અંગે કોઈ કાર્યવાહી ન થતાં મોરબી મહાનગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.