બાજુમાં હોસ્પિટલ હોવાથી ગંદકીને કારણે દર્દીઓના આરોગ્ય ઉપર જોખમ મોરબી : મોરબીમાં વર્ષોથી ભૂગર્ભ ગટર ઉભરવાનો સળગતો પ્રશ્ન છે. તંત્રની ઘોર લાપરવાહીને કારણે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. પરિણામે ભૂગર્ભ ગટરની સમસ્યાએ આડો આંક વાળી દીધો છે. રોજબરોજ કોઈને કોઈ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ હોવાની બુમરાણ ઉઠે છે. ત્યારે વધુ એક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાની ફરિયાદ સામે આવી છે. મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ વર્ષો જૂની ભુર્ગભ ગટરની ગંદકી સતત ઓવરફ્લો થયા કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ત્રાજપર ચોકડી પાસે ગટર ઉભરાવવાની સમસ્યાએ એટલી હદે માજા મૂકી છે કે આ વિસ્તારમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જાઈ છે અને ગટરના ગંદા પાણી સતત નદીના વહેણની માફક વહેતા હોવાથી બેસુમાર ગંદકી ફેલાય છે. ત્યાંથી નીકળવામાં નાકે દમ આવી જાય છે. જ્યારે બાજુમાં હોસ્પિટલ હોવાથી આ ગટરની ગંદકીને કારણે દર્દીઓના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. જો કે નગરપાલિકાના સફાઈ કામદારો આવે છે તો પણ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આથી, તંત્ર આ સમસ્યાના ઉકેલ માટે નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.