છેલ્લા એક અઠવાડિયામાં ૨૦ જેટલા ભૂંડના મૃત્યુ : રોગચાળાની ભીતિને પગલે ત્વરિત કાર્યવાહી કરવાની માંગમોરબી : મોરબીના જેલ રોડ પર આવેલા બોરીચા વાસના પાછળના વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી ભૂંડના અસામાન્ય મૃત્યુનો સિલસિલો ચિંતાનો વિષય બન્યો છે. શરૂઆતમાં સ્થાનિકો દ્વારા મૃતદેહોનો નિકાલ કરવામાં આવતો હતો, પરંતુ છેલ્લા ૩-૪ દિવસથી રોજના એક-બેના બદલે વધુ સંખ્યામાં ભૂંડ મરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષ વ્યાપી ગયો છે.છેલ્લા ૩-૪ દિવસમાં જ આશરે ૧૫ જેટલા ભૂંડના મૃત્યુ થયા છે. આ ઉપરાંત, જેલ રોડની સામે આવેલા વોકળા કાંઠાના વિસ્તારમાં પણ ૫ થી ૭ ભૂંડ મૃત હાલતમાં મળી આવ્યા છે, આમ છેલ્લા એક અઠવાડિયામાં ૨૦ જેટલા ભૂંડના મૃત્યુ થયા છે. આ મૃતદેહોના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં અને રહેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. નજીકમાં એક અવસાન થયું હોવાથી ત્યાં આવતા લોકોને પણ આ દુર્ગંધથી હાલાકી ભોગવવી પડી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકોને મોં પર રૂમાલ બાંધીને પસાર થવું પડે છે.સ્થાનિકો દ્વારા આ મામલે મોરબી મહાપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે. પાલિકા દ્વારા બપોર પછી કામગીરી શરૂ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. જોકે, આ ગંભીર પરિસ્થિતિને કારણે હાલમાં ત્રણથી ચાર બાળકો બીમાર પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે. તેમજ જો કોઈ બીમાર પડે તો જવાબદારી કોની તેવા પ્રશ્નો ઉઠ્યા છે.