છેલ્લા 3 દિવસથી અસહ્ય દુર્ગંધથી સરદાર નગર સોસાયટીના રહીશો ત્રાહિમામ: તંત્ર તાકીદે કડક પગલાં ભરે તેવી માંગટંકારા: ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આવેલા આર્ય નગર અને સરદાર નગર સોસાયટીની આસપાસ છેલ્લા 3 દિવસથી ગૂંગળાવી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ છે. આર્ય નગરના છેવાડે આવેલા જબલપુર તળાવ પાસે કોઈ અજ્ઞાત તત્વો દ્વારા ઓઈલ મિલમાં કપાસિયા-રૂ નોખા કરવાના મશીનનો કચરો (વેસ્ટ મટીરીયલ) ફેંકીને સળગાવી દેવાતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.દુર્ગંધથી રોગચાળા અને સ્વાસ્થ્ય પર ખતરોસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તળાવ પાસે ફેંકવામાં આવેલો કચરો ઓઈલ મિલના મશીનોમાં વપરાતા ગોળ રાઉન્ડના પાર્ટ્સ સાફ કર્યા પછીનો વેસ્ટ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આ પ્રકારના પાર્ટ્સનું રિપેરિંગ અને સફાઈનું કામ મોટાભાગે લેથ મશીનના કારખાનાઓમાં થતું હોય છે. વિસ્તારમાં બળેલા ચામડા જેવી અજીબોગરીબ અને તીવ્ર દુર્ગંધના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.જળચરો અને યાયાવર પક્ષીઓ માટે જોખમસૌથી ચિંતાજનક બાબત એ છે કે ટૂંક સમયમાં જ ચોમાસાની શરૂઆત થવાની છે. જો વરસાદી પાણી આ કેમિકલયુક્ત મટીરીયલ સાથે ભળશે, તો આખું તળાવ ઝેરી બની જશે. જબલપુરનું આ એ જ તળાવ છે જ્યાં શિયાળા દરમિયાન હજારો કિલોમીટર દૂરથી વિદેશી પ્રવાસી પક્ષીઓ (યાયાવર પક્ષીઓ) મુકામ કરે છે. અત્યારે પણ આ તળાવમાં હજારો જળચર જીવો વસવાટ કરે છે. જો આ ઝેરી કચરાનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો આ તમામ જીવોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થશે.તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગસ્થાનિકોની હેરાનગતિ અને પ્રકૃતિ વિરુદ્ધના આ ગુના સામે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તાત્કાલિક 'સુઓમોટો' સંજ્ઞાન લે, આ મટીરીયલ ઝેરી છે કે નહીં તેની લેબોરેટરી તપાસ કરાવવામાં આવે, તળાવ પાસેથી તાત્કાલિક ધોરણે આ કચરો હટાવવામાં આવે, તટસ્થ તપાસ કરી આ પર્યાવરણીય ગુનો કરનાર અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.#MorbiUpdate #Tankara #JabalpurLake #EnvironmentProtection #Pollution #LocalNews #TankaraNews #GujaratNews #SaveNature