અમને ઈચ્છા પડે તેમ કામ કરશું, તમારે કંઈ બોલવાનો અધિકાર નથી: અધિકારીઓ તોછડા જવાબ આપતા હોવાના સ્થાનિકોના આક્ષેપો મોરબી: મોરબીના નવલખી રોડ, યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને નીલકંઠ સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતી મચ્છુ બે કેનાલમાંથી નીકળતી નાની કેનાલની સફાઈની કામગીરી પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ચોમાસા બાદ ખેડૂતોને પાણી આપવા માટે કેનાલની સફાઈ હાથ ધરવામાં આવે છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે સફાઈ બાદ કચરો ત્યાં જ રોડ પર નાખી દેવામાં આવે છે. યમુનાનગરના રહેવાસી સિધ્ધરાજસિંહ ડોડીયાએ જણાવ્યું કે, કચરો અડધા રોડ પર નાખી દેવાતા વાહનવ્યવહારમાં મુશ્કેલી પડે છે અને ચોમાસામાં તે પાછો કેનાલમાં તણાઈ જાય છે.સ્થાનિકોની મુખ્ય ફરિયાદ એ છે કે કેનાલમાં અનેક જગ્યાએ ગાબડાં પડ્યા છે, સફાઈ દરમિયાન કેનાલ તેમજ સ્ટેટ સમયનું નાલુ પણ તોડી નાખ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. રહેણાંક વિસ્તાર હોવા છતાં કેનાલની બાજુમાં સેફ્ટી દીવાલ (પાળી) ન હોવાથી રાત્રે અંધારામાં વાહનચાલકો અને ગાયો, કૂતરા જેવા પશુઓ કેનાલમાં પડી જવાની ઘટનાઓ બને છે, જેને સ્થાનિકોએ રેસ્ક્યુ કરવા પડે છે. આ ઉપરાંત, કેનાલમાં મરેલા ઢોર નાખી જવાના બનાવો પણ બને છે. જેના કારણે રોડ પરથી પસાર થવું મુશ્કેલ બને છે. આ અંગે ગત વર્ષે પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ કેનાલની બાજુમાં અન્ય રોડ પસાર થાય છે, ત્યાં ચાલી શકાય તેવું હોવા છતાં આ રસ્તા પર ધ્યાન આપવામાં ન આવતું હોવાના આક્ષેપો કરાયા છે. સ્થાનિકોની રજૂઆત મુજબ, જ્યારે તેઓ કેનાલ વિભાગના અધિકારી પરમારનો સંપર્ક કરવા ગયા ત્યારે તેમને તોછડા જવાબો મળ્યા હતા. રહેવાસી દિલીપભાઈ થાવરાળીએ જણાવ્યું કે અધિકારીએ તેમને કહ્યું કે, 'રોડ તમારો નથી, અમારો છે. અમને ઈચ્છા પડે તેમ કામ કરશું. કચરો ઉપાડીએ તો ભલે અને ન પણ ઉપાડીએ. તમારે કંઈ બોલવાનો અધિકાર નથી.' ત્યારે સ્થાનિકોએ કેનાલની વ્યવસ્થિત સફાઈ, કચરાનો નિકાલ, સેફ્ટી દીવાલનું નિર્માણ અને તૂટેલા નાળાં/કેનાલના ભાગોનું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે.