રોડનું કામ બંધ કરી દેવાયુ, છતાં રોડની એક સાઈડ કારણ વગર બંધ રાખી હોવાથી ટ્રાફિક સર્જાઈ છે : મંદિર જવાનો રસ્તો બંધ કરી દેવાયો : બીજા બે વૈકલ્પિક રોડ હોવાથી ભારે વાહનોને અહીં પ્રવેશબંધી કરવાની માંગમોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક ગોકળગતિએ ચાલતા રોડના કામથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામ તો હાલ બંધ છે છતાં રોડની એક સાઈડ બંધ રાખવામાં આવી હોવાથી ટ્રાફિક જામ સર્જાઈ છે. તંત્ર વહેલી તકે આ સમસ્યાનો નિવેડો લાવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. રામધન આશ્રમ નજીકના પુલથી મહેન્દ્રનગર ચોકડી સુધી ફોર લેન રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. જે કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. અહીંના સ્થાનિક વેલજીભાઈએ જણાવ્યું કે 20 દિવસથી સમસ્યા છે. રોડ બનાવતા નથી અને મશનરી મૂકીને ચાલ્યા ગયા છે. સાંજે 5થી 6 ભયાનક ટ્રાફિક થાય છે. અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. તંત્ર દ્વારા આઠ દિવસમાં રોડ થઈ જશે તેવું કહેવામાં આવતું હતું. અત્યારે 20 દિવસ થઇ ગયા છે અહીં મશીનરી ધૂળ ખાઈ રહી છે. વધુમાં અહીં ગટરનું કામ પણ ધીમું થઈ રહ્યું છે. મંદિરે જવાનો રસ્તો બંધ થઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત બીજા બે વૈકલ્પિક રસ્તાઓ છે છતાં ભારે વાહનો માટે અહીં પ્રવેશબંધી ન હોવાથી સતત ટ્રાફિક રહે છે. તંત્ર દ્વારા આ કામ વહેલું પૂર્ણ કરવામાં આવે અને ભારે વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવે તેવી માંગ છે.