દસ્તાવેજ રદ્દ કરીને વિધર્મીને મકાન ખાલી કરાવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતમોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા જનકનગરમાં સરકાર દ્વારા અશાંતધારા કાયદાનું અમલીકરણ આવ્યું હોવા છતાં વિધર્મીઓ સોસાયટીમાં રહેવા આવી ગયા હોય સ્થાનિક રહેવાસીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.જનકનગરના તમામ રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, જનકનગર સોસાયટી અશાંતધારામાં સામેલ છે. તેમ છતાં ગેરકાયદે રીતે વિધર્મીઓ પગપેસરો કરી રહ્યા છે. સોસાયટીના જ એક રહીશે પોતાનું મકાન વેચીને હિંદુના નામે દસ્તાવેજ કરાવ્યો છે પરંતુ આ મકાનમાં વિધર્મી રહેવા આવી ગયા છે. તેથી વિધર્મીઓએ કાયદો હાથમાં લઈને અશાંતધારાનો ભંગ કર્યો છે. આ અંગે મોરબી જિલ્લા પ્રાંત અધિકારી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજી આપી હતી પરંતુ આજદિન સુધી વિધર્મી સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. વિધર્મી પરિવાર સોસાયટીમાં રહેવા આવતા જનકનગર સોસાયટીના તમામ હિંદુ પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. તેથી તાત્કાલિક અસરથી આ મકાનનો દસ્તાવેજ રદ્દ કરી વિધર્મીને તાકીદની અસરથી મકાન ખાલી કરાવવામાં આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ માગ કરાઈ છે.