નંદીઘરનું સંચાલન કરતી એજન્સી વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ: 2 દિવસથી વધુ સમય સુધી મૃતદેહો પડ્યા રહ્યા હતામોરબી: મોરબી શહેરમાં રસ્તે રઝળતા પશુઓના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ અપાવવા માટે કોર્પોરેશન દ્વારા નધણીયાતા પશુધનને પકડી નંદીઘરમાં રાખવામાં આવે છે. જો કે, અહીં કોર્પોરેશનના અધિકારીઓ અને સંચાલકોની બેદરકારીથી 9 ગૌવંશના મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવતા કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશને એક લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટરને ઘરભેગો કરી દઈ, એએનસીડી શાખાના અધિકારીનો 7 દિવસનો પગાર કાપી, નંદીઘરના સંચાલક સામે પણ કાર્યવાહી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં તાજેતરમાં એક સાથે 9 નંદીઓના મૃત્યુ થયાની ગંભીર બાબતે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ તપાસના અંતે કોન્ટ્રાકટ બેઇઝ લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર સોયબ શેરસિયાને છૂટો કરવા હુકમ કરાયો છે. સાથે જ શહેરમાં પશુ નિયંત્રણની કામગીરી કરતા એએનસીડી શાખાના અધિકારી નિમેશ ખાંભલાનો 7 દિવસનો પગાર કાપી લેવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન સંચાલિત નંદીઘરમાં ઘાસચારા અને પાણીના અભાવે નંદીઓના મૃત્યુ બાદ 2 દિવસથી વધુ સમય સુધી મૃતદેહો જેમના તેમ પડ્યા રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.મોરબી શહેરમાંથી પકડવામાં આવતા નંદીઓ પાંજરાપોળ કે અન્ય ગૌશાળા રાખતી ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા જ નંદીઘર પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. અહીં હાલમાં 800 થી વધુની સંખ્યામાં ગૌવંશ રાખવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના આગેવાનોએ ગૌવંશને પૂરતા પ્રમાણમાં ખોરાક કે પાણી આપવામાં આવતા ન હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હાલ પૂરતું એક કર્મચારીને ઘરભેગો કરી નંદીઘરનું સંચાલન કરનાર એજન્સી સામે પણ તપાસ ચાલુ હોવાનું કોર્પોરેશનના ડે. કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું.#Morbi #MorbiNews #MorbiUpdates #CowShelter #Nandighar #AnimalWelfare #MorbiCorporation #GujaratNews #ActionTaken