અગરિયા હિત રક્ષક મંચ દ્વારા કલેક્ટરને આવેદન આપી પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને સર્વે-સેટલમેન્ટની યાદીમાં સમાવેશ કરવાની માંગ કરી મોરબી : કચ્છનું નાનુંરણ તેની અનોખી પર્યાવરણીય વ્યવસ્થા, ઘુડખર તથા અગરિયાઓના સદીઓના સહ-- અસ્તિત્વ તેમજ ગાંગડા! મીઠાના અગરના લીધે જગ-પ્રસિદ્ધ છે. રણમાં બાવડાના જોરે રાત- દિવસની કાળી મજૂરીથી પકવામાં આવતા મીઠાનો ઈતિહાસ પણ આશરે છસ્સો-સાતસો વધુ જૂનો છે. ઘૂડખર અભયાણ્યમાં પેઢી-દર-પેઢીથી મીઠું પક્વતા અગરિયાઓના આજીવિકા ખતરામાં હોય તેમ સર્વે-સેટલમેન્ટની યાદીમાં અગરિયાઓના નામ ન હોવાથી અગરિયા હિત રક્ષક મંચ દ્વારા કલેક્ટરને આવેદન આપી સર્વે-સેટલમેન્ટની યાદીમાં અગરિયાઓને સમાવેશ કરવાની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે, કચ્છના નાનારણમાં સિઝન પૂરતા આજીવિકા માટે સદીઓથી પરંપરાગત રીતે મીઠું પકવતા સમુદાય તરીકે અગરિયા રણ પર નિર્ભરતા ધરાવે છે. કચ્છનું નાનુ રણ તેની જૈવ વિવિધતાની જાળવણી અને સંરક્ષણ માટે વિવિધ સમુદાયોની નિસ્બત અને પ્રયાસોને ‘અગરિયા હિતરક્ષક મંચે’ હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. ૨૦૧૯ માં ઘુડખરની મોજણી બાદ બહાર પડેલા આંકડા મુજબ તેની સંખ્યા ૬૦૮૨ કરતા વધુ નોંધાઈ છે. આ બાબત ઘુડખર અને સમુદાયના સુમેળ ભર્યા સંબંધોની સાબિતિ આપે છે. ચોમાસુ પૂરું થતાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને કચ્છ જીલ્લાના કચ્છના નાના-રણની ફરતે આવેલા સવાસો જેટલાં ગામોમાં વસતા મોટાભાગના (વિચરતા અને વિમુક્ત રામુદાયમાં આવતા) ચુંવાળીયા કોળી તથા થોડા પ્રમાણમાં સંધી, અને મિયાણા સમુદાયના લોકો સપ્ટેમ્બરના અંતમાં મીઠું પકવવા પરિવાર સાથે કચ્છના નાનારણમાં આવે છે. આઠ માસ રાત-દિવસ મહેનત કરી. બાવડાના જોરે પરંપરાગત રીતે અહીં મીઠું પકવવા આવે છે. અગરિયા સમુદાય પાસે રણની જમીન અને બાવડાની તાકાત તો છે, પરંતુ જરૂરી મૂડીના અભાવે વેપારી પાસેથી ધિરાણ લઇ પાકેલું મીઠું જે તે વેપારીને વેચે છે. અને સિઝન પૂરી થતાં પાછા ચોમાસા પૂરતા પોતાના ગામ પાછા ફરે છે. આમ ને આમ સદીઓ અને પેઢીઓ જતી રહી, પણ અગરિયાઓના જીવનમાં ખાસ બદલાવ આવ્યો નથી. સરકારે અગરિયાના કલ્યાણ અને મીઠા ઉદ્યોગના વિકાસ માટે રચેલી રાજ્ય એમ્પાવર્ડ કમિટીના માધ્યમથી તમામ વિભાગોને સાથે રાખી, છેલ્લા દસ-બાર વર્ષમાં રણમાં અગરિયાના બાળકો માટે શાળા, આરોગ્યવાન, પીવાનું પાણી, અગર આવાસ યોજના જેવી યોજનાઓ દ્વારા ઘણા પ્રયાસો કર્યાં છે, ટૂંકમાં કહીએ તો અગરિયા સદીઓથી પેઢી-દર-પેઢી પરંપરાગત રીતે વર્ષમાં આઠ માસ માટે પરિવાર સાથે સ્થળાંતર કરી મીઠાની ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમની પાસે આજીવિકાના બીજા વિકલ્પો ના હોવાના કારણે મીઠા ઉત્પાદન પર તેઓ નિર્ભર છે. કચ્છના નાનારણને ૧૨મી જાન્યુઆરી ૧૯૭૩ના ગુજરાત વન્ય પ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ અધિનિયમ ૧૯૬૩ અને ૧૩ જાન્યુઆરી ૧૯૭૮ના વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ પ્રસિધ્ધ કરેલા જાહેરનામા દ્વારા કુલ 4953.70 ચોરસ કિલોમીટર વિસ્તારને “ઘુડખર' અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો. 'ઘુડખર' અભયારણ્યના સર્વે-સેટલમેન્ટની પ્રક્રિયા સપ્ટેમ્બર ૧૯૯૭માં શરૂ કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન અગરિયાઓ દ્વારા સદીઓથી પેઢી-દર-પેઢી પરંપરાગત રીતે વર્ષમાં આઠ માસ માટે પરિવાર સાથે સ્થળાંતર કરી કરવામાં આવતી મીઠાની ખેતી અંગે વિવિધ સ્તરે રજૂઆતો કરવાં છતાં પણ તે સર્વે-સેટલમેન્ટના આખરો અહેવાલનાં ધ્યાને લેવી રહી ગઈ છે. તા.૨/૭/૨૦૦૭ ના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તત્કાલીન મુખ્ય-મંત્રી દ્વારા તેમની કચેરીએ પરંપરાગત અગરિયાઓ મોટી સંખ્યામાં સર્વે-સેટલમેન્ટની પ્રક્રિયામાંથી છૂટી ગયા હોઈ તેની નોંધ લઈ તેમને સમાવવા સૂચના આપવામાં આવી હોવા છતાં તેનો યોગ્ય રીતે અસરકારક અમલ જવાબદાર વિભાગ દ્વારા ચૂકી જવાના કારણે ફરીથી અગરિયા તેમના મીઠું પકવવાના પરંપરાગત સામુદાયિક અધિકારોથી વંચિત રહી ગયા છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ અને ગ્રીન ટ્રિબ્યુનનમાં ચાલતા કેસમાં થયેલ કાર્યવાહીનો હકીકતલક્ષી અહેવાલ આપવાનો હોવાથી વન-વિભાગ દ્વારા ઉતાવળે, પૂરું વિચાર્યા વગર જે સર્વે-સેટલમેન્ટ રિપોર્ટ હજી સરકારની વિચારણાને આધીન છે, તેનો સંદર્ભ આપી અગરિયાઓની વિસ્તારવાર બેઠકો કરી તેમને યાદીમાં જેમનો સમાવેશ નથી થયો તેમને આગામી સિઝનથી રણમાં પ્રવેશવા દેવામાં નહિ આવે તેવું જણાવવામાં આવતાં અગરિયાઓમાં અસલામતી અને ભય વ્યાપી ગયો છે. જેમના હક્કો માન્ય રાખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે તે પૈકીનાં મોટાભાગનાં અગરિયા આજે હયાત નથી, સહકારી મંડળીઓ ફડચામાં ગઈ હોવાથી આજે તેનું કાનૂની અસ્તિત્વ નથી, જે તે વખતે જે જૂજ દાવા મંજૂર કરવામાં આવ્યા છે તે પણ ના ગુજરાત હાઈકોર્ટના હુકમને આધીન તેમની લીઝની મુદત પૂરી થઈ ગઈ હોઈ અને કોર્ટના હુકમના કારણે રિન્યુ ના થવાથી આવા મંજૂર થયેલા કેસ નો પણ કોઈ અર્થ રહેતો નથી, અને આવી મંડળીઓ અને મોટા ભાગના સભાસદો આજે હયાત ના હોવાથી વિષમ કાનૂની સ્થિતિ ઊભી થઈ છે. સર્વે-સેટલમેન્ટની સમગ્ર કાર્યવાહી દરમ્યાન અસંખ્ય કાનૂની ચૂક, બિન-સત્તાવાર હુકમો, અને રજૂઆતો સંદર્ભે મળેલી સૂચનાઓ અંગે આગળની કાનૂની પ્રક્રિયાઓને અનુસરવામાં આવી નથી. તેમ છતાં આ તબક્કે ૧૯૭૩ થી ચાલુ થયેલી અને છેલા ૫૦ વર્ષથી ચાલતી પ્રક્રિયાને નુકસાન થાય તેવું ઇચ્છતા ન હોવાનું આવેદનમાં જણાવાયું છે. આ તબક્કે સરકારને પરંપરાગત અગરિયાઓ વતી વિનંતી કરીએ છીએ કે, 'ઘૂડખર' અભયારણ્ય વિસ્તારમાં સદીઓથી પેઢી-દર-પેઢી પરંપરાગત રીતે વર્ષમાં આઠ માસ માટે પરિવાર સાથે સ્થળાંતર કરી મીઠું પક્વતા અગરિયા પરિવારોના બાવડાના જોરે મીઠું પકવવાના અધિકારો સંદર્ભે દરમ્યાનગીરી કરી ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાં અંતમાં આવેદનપત્રમા માંગ કરવામા આવી છે.