હળવદના દિવ્યપાર્ક નજીક આવેલા કોમ્પ્લેક્સમાં પોલીસનો દરોડો હળવદ : હળવદ પોલીસે દિવ્યપાર્ક નજીક આવેલા કોમ્પ્લેક્સમાં કન્ટ્રક્શનની દુકાનમાં દારૂનો વેપાર થતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી રૂપિયા 13,840ની કિંમતના વિદેશી દારૂના ચપલા અને બોટલ સાથે એક યુવાનને ઝડપી લીધો હતો. જ્યારે દરોડા દરમિયાન દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સનું પણ નામ ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના દિવ્યપાર્ક નજીક આવેલ કોમ્પ્લેક્સમાં કે.કે.કન્ટ્રક્શન નામની દુકાનમાં ખેંગારભાઇ રામજીભાઇ કલોતરા, રહે. ઇશ્વરનગર તા.હળવદ વાળો દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને દુકાનમાંથી માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર રેર એઝડ વ્હીસ્કીની બોટલ નંગ 7 કિંમત રૂપિયા 5740, ઓફિસર ચોઇસ વ્હીસ્કીના ચપલા નંગ 31 કિંમત રૂપિયા 3100 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 સહિત પોલીસે રૂપિયા 13,840નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી ખેંગારભાઇ રામજીભાઇ કલોતરાએ વિદેશી દારૂનો આ જથ્થો ફીરોજભાઇ ઇસાભાઇ મીંયાણા રહે.દેવળીયા તા.હળવદ વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ફિરોઝને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે.