મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીની સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રજ્ઞાચક્ષુ પુન:ર્વસન સંસ્થા લક્ષ્મીનગર ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રજ્ઞાચક્ષુ પુન:ર્વસન લક્ષ્મીનગર ખાતે સર્વે પ્રજ્ઞાચક્ષુ પરિવાર મિત્રોની ઉપસ્થિતિમાં તેમને સમૂહ ભોજન કરાવી, સંસ્થામાં આર્થિક યોગદાન આપી કરવામાં આવી હતી. સાથે લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કરછનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા અને ક્લબના સર્વે સભ્યોની ઉપસ્થિતિમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં ચાર્ટર મેમ્બર એટલે આ સંસ્થાના પાયાના પથ્થર કહી શકાય એવા મેમ્બર લા. ભીખાભાઈ લોરીયા, લા.ભવાનભાઈ વરમોરા, લા.ધનજીભાઈ નાયકપરા, લા.વશરામભાઈ ચીખલીયા અને લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાનું ચાર્ટર મેમ્બર તરીકે પુષ્પ ગુચ્છ આપી સાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું. આ શુભ દિવસે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તરફથી ત્રણ દિવ્યાંગ લોકોને ટ્રાયસિકલ પણ આપવામાં આવી હતી. આ ટ્રાયસિકલ માટે લાયન્સ ક્લબ મોરબી સિટીના પૂર્વ પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ કે.જી. કુંડારીયા તરફથી આર્થિક યોગદાન મળ્યું હતું. આમ છેલ્લા 20 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સંસ્થા દ્વારા ચાલે છે ત્યારે સંસ્થાનાં પાયાના પથ્થર અને સર્વે મેમ્બરો હરહંમેશ તન મન ધનથી યોગદાન આપે છે. તેમજ સમાજના બહુ બધા લોકો અને સમાજ શ્રેષ્ઠીઓ તરફથી મળતા આર્થિક યોગદાનથી સંસ્થા ચાલતી હોય છે. આમ અવાર નવાર સેવાકીય પ્રોજેક્ટમાં જેમનું પણ સમયનું અને આર્થિક યોગદાન છે એવા તમામ લોકોનો લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં સેક્રેટરી ટી.સી. ફૂલતરીયા દ્વારા સંસ્થા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.