વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચાર પ્રકરણમાં તેર લોકોના નિવેદન લેવાયા બાદ પણ કોઈ પગલાં ન લેવાતા આશ્ચર્ય મોરબી : મોરબી જિલ્લામાં શિક્ષણ ને બદલે કૌભાંડ આચરવામાં માહિર કેટલાક શિક્ષકોને કારણે શિક્ષણક્ષેત્ર બદનામ થઈ રહ્યું છે ત્યારે વાંકાનેર તાલુકાના શિક્ષણ વિભાગમાં વર્ષ-2019માં શરૂ થયેલ ભ્રષ્ટાચારની તપાસ વર્ષ 2023માં પણ અધૂરી રહે તેવા સાફ સાફ સંકેતો વચ્ચે ગરીબ બાળકોની શિષ્યવૃતિ તેમજ વિદ્યાલક્ષ્મી બોન્ડ નાણાં હજમ કરી જનાર કૌભાંડિયા તત્વોને છાવરવામાં આવી રહ્યા હોવાની છાપ ઉપસી રહી છે. ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લમાં વાંકાનેર તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં વર્ષ 2017થી 2019માં કરવામાં આવેલ શ્રેણીબંધ ભ્રષ્ટાચારની તપાસ વર્ષ -2019ના ઓડિટ બાદ શરૂ કરવામાં આવેલ પરંતુ તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ભ્રષ્ટાચારના જેમના ઉપર આરોપ લાગ્યા છે તેવા મયુર પારેખે ખૂબ મોટો વહીવટ કરી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ ભ્રષ્ટાચારીઓ પૈકી અરવિંદ પરમારને મામુલી સજા કરી હતી અને ભ્રષ્ટાચાર જેમના ઈશારે થયો હતો એવા મોટા માથાઓને બચાવી લીધા હતા. બીજી તરફ ગરીબ બાળકોની શિષ્યવૃતિ અને વિદ્યાલક્ષ્મી બોન્ડના નાણાં હજમ કરી જનારાઓ વિરુદ્ધ પણ કંઈક આવો જ માહોલ હાલ બની રહ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને જેમના બેંક એકાઉન્ટમાં સરકારી રૂપિયા જમા થયેલ છે એવા લોકો અને જેમની સહીથી બેંકમાં રૂપિયા જમા કરવામાં આવેલ છે એવા તેર જેટલા લોકો પૈકી ત્રણ શિક્ષકો એમના સગા સંબંધીઓ તેમજ તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા વિકાસ અધિકારી વગેરે તેર જેટલા લોકોના તા.9.05.23 ના રોજ નિવેદન લીધા એને પણ તેર દિવસ જેટલો સમય વ્યતિત થઈ ગયો હોવા છતાં ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કોઈપણ કાર્યવાહી થયેલ ન હોય ફરી એકવાર વર્ષ 2019નું પુનરાવર્તન કરી ભ્રષ્ટાચાર આચરનાર મોટા માથાને બચાવવા વર્ષ - 2023માં પણ તપાસ અધૂરી છોડી દેવામાં આવશે એવી ચર્ચા હાલ શિક્ષક આલમમાં ચાલી રહી છે. pdate