સમયનો વેડફાટ એટલે દેશની બરબાદી, એ કયારે સમજીશું? એમ પૂછી સમયનું મૂલ્ય સમજાવતા જયસુખભાઈ પટેલ વિકાસશીલ ભારત દેશને ક્રિકેટ પાછળ ગાંડા થઈને સમય બગાડવો પોસાય નહીં : જયસુખભાઈ પટેલ 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં ચાઈનાના દ્રષ્ટાંતો આપી માનવશક્તિનો પૂરતો ઉપયોગ કરી પ્રગતિ કરવાનું સૂચન મોરબી : જે સમયને ઓળખે છે, તે સુખી છે. જે સમયનું મૂલ્ય સમજે છે, તે સમૃદ્ધ છે. એ જ રીતે જે દેશે સમયને ઓળખ્યો છે, તે જ સમૃધ્ધિ પામે છે. વિકાસશીલ ભારત દેશમાં સમયનો વગર સમજે બેફામપણે વેડફાટ થઈ રહ્યો છે. સમયની કિંમત શું છે, તે આપણે ભારતીયો હજુ સમજયાં નથી, સમજતાં નથી. આપણા દેશમાં જે રીતે સમયનો વેડફાટ થાય છે તે રીતે બહુ ઓછા દેશના લોકો સમય વેડફતાં હશે! તેમ લખી મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ સમયનું મૂલ્ય સમજાવતા આગળ ક્રિક્રટપ્રેમીઓ પર ચાબખા મારતા લખે છે કે... વિદેશી રમત ગણાતી ક્રિકેટ પાછળ ભારતીયોથી ગાંડા થઇને કલાકોના કલાકો વેડફે છે. ક્રિકેટ મેચો ચાલતી હોય ત્યારે સરકારી ઓફિસોમાં, બેંકોમાં અને અન્ય કાર્યાલયોમાં કર્મચારીઓની સંખ્યા ઓછી દેખાય છે. નોકરીમાં ફરજ પ્રત્યેની સભાનતાની તો વાત જ જવા દો. લોકો પાગલની જેમ સમયનો વેડફાટ કામ ધંધો છોડીને કરે છે ત્યારે વિકાસશીલ આપણા ભારત દેશને ક્રિકેટ પાછળ ગાંડા થઈને સમય બગાડવો પોસાય નહીં પણ સચ્ચાઈ એ છે કે, ક્રિકેટ પાછળ દેશના જે ખરેખર 'એજ્યુકેટેડ' છે, તેવા લોકો જ સમયનો વેડફાટ' સૌથી વધુ કરે છે! વધુમાં, જયસુખભાઈ પટેલ લખે છે કે આપણા દેશમાં કહેવાતા સાધુબાવાઓ, ક્રિકેટરો અને ફિલ્મના નટનટીઓ અને રાજકારણીઓ પણ લોકોના સમયનો બહુ મોટો વેડફાટ કરે છે. તેમજ આજે સમયનો વેડફાટ કરતું પાંચમું નવું તત્ત્વ પણ ઉમેરાયું છે : 'ઈન્ટરનેટ', સોશિયલ મિડીયા જે દુનિયાભરની નેગેટિવીટી ફેલાવે છે, આવા નેટને આપણા દેશમાં સરકાર તરફથી રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, જાહેર સ્થળોએ ફ્રી કરી યુવાધનને ખતમ કરી નાખ્યું! આજે ચાઈનામાં ક્રિકેટ, કહેવાતા સાધુબાવાઓ, ફિલ્મ ઉદ્યોગના નટનટીઓ કે રાજકારણીઓ આ ચાર ચીજ નથી તેમ છતાં પણ નંબર વન પર છે. ચીને જબ્બર આર્થિક, સામાજિક વિકાસ કર્યો છે. ચાઇના પાસે નથી વર્લ્ડ લેવલની કોઈ બ્રાન્ડ કે નથી કુદરતી સંપત્તિના ભંડારો. ચાઇના પાસે ફક્ત 'માનવશક્તિ છે. અને ચાઈના આ માનવશક્તિનો ઉપયોગ કરીને આજે દુનિયાની મહાસત્તા બની ગયું છે. કારણ કે ચાઇના માત્રને માત્ર સખત મહેનત અને હાર્ડવર્ક કરે છે અને ત્યાં ‘સમય’ની કોઈ જ બરબાદી નથી. આમ, જયસુખભાઈ પટેલ એ 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં ચાઈનાના દ્રષ્ટાંતો આપી માનવશક્તિનો પૂરતો ઉપયોગ કરી પ્રગતિ કરવાના અન્ય સૂચનો પણ આપેલા છે. જે જાણવા માટે 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં સમગ્ર લેખ વાંચવો રહ્યો! આ સાથે તેઓ સ્પષ્ટતા પણ કરે છે કે તેઓ સ્પોર્ટસ કે ધર્મ કે આધ્યાત્મ કે મનોરંજનના નિષેધની વાત નથી કરતા. જીવનમાં આ બધી બાબતોની માણસમાત્રને આવશ્યકતા રહે છે પરંતુ આપણે ત્યાં મૂળ મુદ્દો કે તેનો હેતુ ગૌણ બની જાય છે અને ઘેલછા હાવી થઈ છે. રમતગમત ફિટનેશ માટે જરૂરી છે તો ધર્મ કે આધ્યાત્મ મનની શાંતિ અને નવી ઊર્જાના સંચાર માટે આવશ્યક છે તો મનોરંજન રિલેકસેશન માટે અનિવાર્ય જ છે પણ એ બધું તેની મર્યાદા વળોટી જાય પછી એ વિકૃતિ યા વિકાર બનીને પ્રસરી જતું હોય છે. ભારતમાં આ વકરી ગયેલો વિકાર સાર્વજનિક બની ગયો છે! ચાઈના આજે બધી પ્રોડકટનું મેન્યુફેકચરીંગ કરી જાણે છે અને હાર્ડવર્ક તેમજ કોન્ટીટી થકી તેને સસ્તું બનાવીને દુનિયા સાથે વેપાર કરે છે. ચાઇનામાં લોકો 12થી 14 કલાક સખત મહેનત કરે છે. તેના કારણે પ્રોડકશન કોસ્ટથી વસ્તુઓની પડતર નીચી રહે છે. આમ, સસ્તી કિંમતને કારણે માત્ર ભારતના બજારમાં જ નહીં, દુનિયાના માર્કેટમાં પગપેસારો કરીને ચીને તેનું વર્ચસ્વ જમાવી દીધું છે. આ રીતે ફક્ત હાર્ડવર્ક અને માનવશક્તિનો ઉપયોગ કરી ફક્ત 30 વર્ષમાં ચાઈના 'મહાસત્તા' બન્યું છે, એમ આપણે પણ બની શકીએ છીએ. શરત એટલી જ કે, સમયને વેડફી નાખતાં અટકવું પડશે! તેમ જયસુખભાઈ પટેલ લેખના અંતે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..