મેદાન છોડીને જાય તે લલિત કગથરા નહિ, ધારાસભ્યએ કર્યો લલકાર : પૂરી તાકાતથી પેનલ કામે લગાડી, પરિણામ નિશ્ચિત જ હોવાનો લલિતભાઈનો દાવો મોરબી : ટંકારા- પડધરી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ મોરબી માર્કેટિંગ યાર્ડની ચુટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓ હાલ કોરોનાગ્રસ્ત હોય ચૂંટણીમાં નહિ ઉભા રહે તેવી વાતો ઉપર ખંડન કરતા તેઓએ નિવેદન આપ્યું છે કે આવતીકાલે ચૂંટણીમાં તેઓ પીપીઈ કીટ પહેરીને ઉભા રહેવાના છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરા હાલ કોરોનાગ્રસ્ત છે. તેઓ હોમ આઇસોલેટ થયેલા છે. આ દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને તેઓએ પોતાનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે આવતીકાલે તા.31ના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં તેઓ ઘાયલ સિંહની જેમ મેદાનમાં ઉભા રહેશે. તેઓ પીપીઈ કીટ પહેરીને આ ચૂંટણીમાં ઉભા રહીને ચૂંટણી લડશે. વધુમાં તેઓએ લલકાર કરતા જણાવ્યું કે મેદાન છોડે એ લલિત કગથરા નહિ. તેઓએ ઉમેર્યું કે કોઈ કાર્યકર્તાઓએ અફવામાં ભરમાવવાની જરૂર નથી. પુરી તાકાત લગાવીને 25 વર્ષમાં પ્રથમ વખત તેઓએ પેનલ બનાવી છે. પરિણામ નજર સામે જ છે. પૂરી તાકાતથી ચૂંટણી લડવાના છે. પરિણામ નજર સમક્ષ જ છે. અંતમાં તેઓએ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી સરમુખત્યારશાહી ચાલી રહી છે. હવે તે તમામ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાગ્રસ્ત ધારાસભ્ય લલિતભાઈ કગથરા આવતીકાલે પીપીઇ કીટ પહેરીને મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી લડવાના છે. તેઓની આ જાહેરાતથી રાજકારણમાં સનસનાટી મચી ગઇ છે.