હળવદના ભલગામડાની સીમમાં સાંજે છ વાગ્યા બાદની ઘટના : સદભાગ્યે જાનહાની નહિ હળવદ : હળવદના ભલગામડા ગામે આજે સાંજના છએક વાગ્યાના અરસામાં વગર વરસાદે અચાનક જ ખેડૂતના ખેતરમાં બાવળના ઝાડ ઉપર ધડાકાભેર વીજળી ત્રાટકી હતી. જો કે આ સમયે ખેડૂત થોડા દૂર કામ કરી રહ્યા હોય સદભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ પ્રચંડ વીજળીએ બાવળનું ઝાડ ફાડી નાખ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજના છએક વાગ્યા બાદ હળવદથી નવ કિલોમીટર દૂર ભલગામડા ગામની સીમમાં અચાનક જ વાદળોની જમાવટ થતા ગળગાળાટ બાદ તભાભાઈ છગનભાઇ સરાવાડિયા નામના ખેડૂતના ખેતરમાં ધડાકાભેર વીજળી ત્રાટકી હતી. પ્રચંડ વીજળી ત્રાટકી એ સમયે ખેડૂત ખેતરમાં જ કામ કરી રહ્યા હતા પરંતુ સદભાગ્યે તેઓ ઝાડથી દૂર હોય કોઈ ઇજા કે નુકશાન થયુ ન હતું પરંતુ વીજળી જે બાવળના ઝાડ ઉપર પડી તે ઝાડને આખું ફાડી નાખ્યું હતું અને આ ઘટનાથી ખેડૂત સ્તબ્ધ બની ગયા હતા.