ચરાડવા નજીક પેટ્રોલ પંપ ઉપર ખેડૂત લાઈનમાં રહીને ટ્રેકટરમાં ડીઝલ પુરાવી ઘરે જતા હતા, તે વેળાએ સર્જાયો અકસ્માતહળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક રાજલ પેટ્રોલ પંપ પાસે એસટી વોલ્વો બસે ટ્રેક્ટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ખેડૂતનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું છે. બનાવની જાણ મળતી વિગતો મુજબ હાલ ડિઝલની ભારે અછત વચ્ચે ખેડૂતો ડીઝલ મેળવવા રીતસરની રઝળપાટ કરી રહ્યા છે.કલાકો સુધી લાઈનમાં રહ્યા બાદ દસ-પંદર લીટર ડીઝલ ખેડૂતોને પેટ્રોલ પંપ પર મળે છે. હળવદના ચરાડવા ગામે રહેતા શૈલેષભાઈ માવજીભાઈ સોનગરા ઉંમર વર્ષ ૩૯ આજે ગામ નજીક હાઇવે પર પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવી પરત ઘર તરફ જતા હતા ત્યારે અમદાવાદ મોરબી રૂટની એસટી વોલવો બસ નંબર જીજે -૭-ટીયુ-૫૯૪૪એ અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક શૈલેષભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ની મદદથી મોરબી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જોકે ઈજા વધુ પહોંચી હોવાથી તેઓનું મોત નીપજ્યું છે.