માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે વર્ષ 2021માં બનેલી ઘટનામાં કોર્ટનો ચુકાદોમોરબી : માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામની સીમમાં ઘોડાધ્રોઇ નદીના કાંઠે માછીમારી કરીને મચ્છી -ભાત જમવાનો પ્રોગ્રામ કરનાર મિત્રો વચ્ચે જમવા બાબતે ઝઘડો થયા બાદ એક શખ્સે યુવાન ઉપર કાર ચડાવી દઈ હત્યા કરી નાખવાના ચોંકાવનારા કિસ્સામાં મોરબી કોર્ટે બે આરોપીઓ પૈકી એકને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી કાર હંકારી યુવાન ઉપર ચડાવી દેનાર શખ્સને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2021માં માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે રહેતા ફરિયાદી અશોકભાઈ જીલુભાઈ કુંવરીયા, તેમનો કાકાનો દીકરો રણજીતભાઇ મહીપતભાઈ કુંવારીયા,પ્રકાશ કાનાભાઇ લોલડીયા અને સુનિલ લાભુભાઈ કોરડીયા વેણાસર ગામની સીમમાં ઘોડાધ્રોઇ નદીના કાંઠે માછીમારી કરીને મચ્છી -ભાત જમવાનો પ્રોગ્રામ કર્યો હતો. બાદમાં નદીમાંથી મચ્છી પકડી જમવાનું તૈયાર કરવામાં આવતા સુનિલ લાભુભાઈ કોરડીયાએ તેમના ભાઈ સંદીપને પણ બનાવ સ્થળે બોલાવ્યો હતો અને સંદીપે વધારે જમવાનું માંગતા ફરિયાદી અશોકભાઈ અને રણજિતે અમે મહેનત કરી છે તારા ભાગમાં આવે તેટલું જમ તેમ કહેતા આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયા ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં રણજિતે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સુનિલે પોતાની ગાડી ચાલુ કરી રણજિત મહીપતભાઈ કુંવારીયા ઉપર ચડાવી દેતા ગાડી બંધ પડી ગઈ હતી અને ગાડી નીચેથી રણજીત ન નીકળતા બાદમાં ટ્રેક્ટરની મદદથી કાર નીચેથી રણજિતભાઈને કાઢતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.હત્યાની ઘટનામાં માળીયા મિયાણા પોલીસે અશોકભાઈ જીલુભાઈ કુંવરીયાની ફરિયાદને આધારે આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયા અને સંદીપ લાભુ કોરડીયા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ કમલ રસિકલાલ પંડયાની કોર્ટમાં ચાલી જતા 9 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની વિસ્તૃત દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયાને આજીવન કેદની સજા સાથે 10 હજારનો દંડ ફટકાર્યો હતો અને આરોપી સંદીપ લાભુ કોરડીયાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.