વર્ષ 2020માં કૌટુંબિક ભાઈની પત્નીને રિસામણે તેડવા આવેલ યુવકની આરોપીએ કુહાડીનો ઘા મારી હત્યા કરી નાખી હતીમોરબી : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે કૌટુંબિક ભાઈની પત્નીને રિસામણે તેડવા આવેલ યુવકની કુહાડીનો ઘા મારી હત્યા નિપજાવવાના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.પ્રાપ્ત વિગતો અનુસાર 13/12/2020ના રોજ રમેશભાઈ વાઘેલા તથા તેમના કુંટુબી કાકા મુન્નાભાઈ સાથે પ્રતાપગઢ ગામે મુન્નાભાઈની પત્ની રિસામણે હોવાથી ત્યાં તેડવા ગયા હતા. આ વેળાએ સમાધાનની વાત ચાલતી હતી તેવામાં આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયાએ એકદમ ઉશ્કેરાઈ જઈ પાછળથી હાથમાં કુહાડી લઈ આવી રમેશભાઈને કુહાડીનો એક ઘા મારી હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતક રમેશભાઈના પુત્ર ખોડાભાઇ વાઘેલા રહે. વેગડવાવવાળાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયા રહે.પ્રતાપગઢવાળાને કલમ-૩૦૨ મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને રૂા.૨૦,૦૦૦/-નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. જો આ દંડ નહી ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા.