'ચાલો એક નવી જ શરૂઆત કરીએ.' ચાલો 2019 ને ગુડબાય કહીએ ને આવનાર 2020 ને વધાવીએ ચાલો થયેલી ભૂલોને ભૂલી જઈને મેળવેલ શિખામણને યાદ રાખીએ ચાલો મળેલ દુઃખને વિસરી જઈને મેળવેલ સુખોને વાગોળતા રહીએ ન થઈ શક્યાનો અફસોસ છોડીને નવી આશ ને નવા સપના સેવીએ 2019 માટે ઈશનો આભાર માનીને ચાલો 2020માં મંગલ પ્રવેશ કરીએ ભૂતકાળનું ગમતું ભાથું લઈને 'જાનકી' ભવિષ્યની એક નવી જ સફર ખેડીએ (જાગૃતિ તન્ના) આજે વર્ષ 2019 નો છેલ્લો દિવસ છે ત્યારે એમ થાય કે હમણાં હજી તો 2019નું નવું વર્ષ શરૂ થયું હતું, પણ દિવસો જતા ક્યાં વાર લાગે છે? કેલેન્ડરના પાના બદલતા ક્યાં વાર લાગે છે? ક્યારેક જેના આગમનની ઉજવણી કરી હતી, આખરે આજે એની વિદાયનો સમય આવી જ ગયો. કહેવાય છે કે વિતેલો સમય પાછો નથી આવતો પણ એ સમયે આપેલી યાદોને ક્યાં ભૂલી શકાય છે? એ તો હંમેશા આપણા મન - મગજમાં અકબંધ રહેતી હોય છે ને ક્યારેક ને ક્યારેક જીવંત થઈ જતી હોય છે. 'વિતી જાય દિવસો ને રહી જાય યાદો ક્યારેક મલમ તો ક્યારેક કરે ઘા ઊંડો' આ વર્ષ 2019 એ આપણા દરેક ના જીવનમાં ખાટી મીઠી અનેક યાદોના ખજાનાની ભેટ આપી જ હશે. વિતેલા વર્ષમાં ક્યારેક જિંદગીમાં જે ધાર્યું એ થયું હશે, ને ક્યારેક ધાર્યા કરતા ખરાબ બન્યું હશે તો ક્યારેક ધાર્યા કરતા વધુ સારું પણ મળ્યું જ હશે. આજે આપણે 2019 ને ગુડબાય કહીને 2020ને વધાવીશું . ભૂતકાળને આવજો કહીને ભવિષ્યની એક નવી સફર ખેડીશું. ત્યારે 2020 ની આ સફરને સારી બનાવવા માટે 2019 માં થયેલી ભૂલોને ભૂલી જઈએ પણ એ ભૂલમાંથી મળેલ શીખને યાદ રાખીએ. 2019 માં મળેલ દુઃખને ભૂલી જઈને મળેલ સુખને વાગોળીએ કેમ કે જે દુઃખ મળવાનું હતું એ મળી ગયું એને યાદ કરીને દુઃખી થવા કરતા સુખને યાદ કરીને સુખી થઈએ. જે સપનાઓ વિતેલ વર્ષમાં સાકાર ન થઈ શક્યા તેના માટે નિરાશ થવાને બદલે આવનાર વર્ષમાં નવી આશા કેળવીએ. આંખોમાં નવા સપના સજાવીએ. 2019 માં જે કંઈપણ મેળવ્યું એ બદલ ઈશ્વરનો આભાર માનીએ અને 2020 માં ઈશ્વરનું નામ લઈને મંગલ પ્રવેશ કરીએ. ટૂંકમાં, વિતેલ વર્ષમાંથી આપણી મનગમતી યાદોનું ભાથું લઈને ચાલો આવતીકાલથી એક નવી જ શરૂઆત કરીએ. અંતમાં આવતીકાલથી શરૂ થતા 2020 માટે સૌને એટલું જ કહીશ કે, આવનાર નવું વર્ષ હો ખુશીઓથી સભર એવી શુભકામનાઓ સાથે હેપ્પી ન્યુ યર... - જાગૃતિ તન્ના 'જાનકી' ( મોરબી )