ડ્રગ્સ માત્ર એક વ્યક્તિને નહિ પણ આખા પરિવારને બરબાદ કરી નાખે છે : યુવાનોમાં હજુ થોડા અંશે જ આવેલા આ વ્યસનને જો નાથવામાં નહિ આવે તો વિલંબ થઈ જશે આ અભિયાન અંતર્ગત કલેકટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓના આ દુષણ અંગેના મંતવ્યો લઈ તેને લોકો સુધી પહોંચાડાશે : કોલેજોમાં જાગૃતિના કાર્યક્રમ પણ યોજાશેમોરબી : ડ્રગ્સ કોઈ એક વ્યક્તિને નહિ પણ સમગ્ર પરિવારને બરબાદ કરે છે. અત્યારે સોશિયલ મીડિયા અને અનેક સેલિબ્રિટીના આંધળા અનુકરણને પગલે થોડા ઘણા અંશે યુવાનો આ વ્યવસન તરફ વળ્યા છે. ત્યારે અત્યારે જો જાગૃતિ લઈ આવવામાં નહિ આવે તો ઘણો વિલંબ થઈ જશે. જેથી યુવાનોમાં જાગૃતિ લાવવા મોરબી અપડેટે 'ડ્રગ્સને ડીલીટ કરીએ' ઝુંબેશ શરૂ કરી છે. ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2022 દરમિયાન ડ્રગ્સના દુરુપયોગથી ગુજરાતમાં 645 પુરુષ-66 મહિલા એમ કુલ 711ના મૃત્યુ થયા છે. આ ઉપરાંત અત્યારે હજારો કે લાખો યુવાનો ડ્રગ્સની ભયાનક લતમાં ફસાયેલા છે. સુરક્ષા એજન્સીઓ પણ સમયાંતરે મોટી માત્રામાં ડ્રગ્સ પકડી રહ્યું છે. ત્યારે ડ્રગ્સના જે મોટા કન્સાયમેન્ટ પકડાઈ રહ્યા છે. તેનાથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે છાની-છુપી રીતે કેટલા પ્રમાણમાં ડ્રગ્સ વેચાતું હશે. ડ્રગ્સનું દુષણ ખાસ કરીને કોલેજના યુવાનોમાં વધારે જોવા મળતું હોય છે. કોઈ યુવાન ડ્રગ્સ તરફ ન વળે તે માટે મોરબી અપડેટ દ્વારા જન જાગૃતિ અભિયાન 'ડ્રગ્સને ડીલીટ કરીએ' શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કલેકટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓના આ દુષણ અંગેના મંતવ્યો લઈ તેને લોકો સુધી પહોચાડવામાં આવશે. આ ઉપરાંત કોલેજોમાં જાગૃતિના કાર્યક્રમ પણ યોજવામાં આવશે.