લાંબા સમયથી દીપડાના રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા વધતા પાંજરું ગોઠવાયું હતુંવાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા અને હોલમઢ સહિતના ગામોના રેવન્યુ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી દીપડાની રંજાડ વધવા પામી છે અને સમયાંતરે દીપડો પાલતુ પશુઓના મારણ કરતો હોવાની ફરિયાદ વચ્ચે ગતરાત્રીના વનવિભાગે ગોઠવેલા પાંજરામા દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકામાં રામપરા વિડી, જાલસિકા અને હોલમઢ વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે છેલ્લા બે દિવસમાં દીપડાએ ખેડૂતની પાડીનો શિકાર કરતા વનવિભાગે જાલસિકા ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. દરમિયાન વાંકાનેર વન વિભાગના ઇન્ચાર્જ ફોરેસ્ટર રાહુલભાઈ વાંકે જણાવ્યું હતું કે, ગતરાત્રીના જાલસિકા ગામે દીપડો પકડવા પાંજરું ગોઠવવામાં આવતા દીપડો પાંજરે પુરાયો હતો. હાલમાં વન વિભાગે દીપડાને રામપરા વિડી ખાતે ખસેડી ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ દીપડાને અન્યત્ર ખસેડવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.