કિસાન સંઘ દ્વારા વાંકાનેર વિજતંત્રને રજુઆત કરાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકામાં રામપરા વિડી વિસ્તારમાં છેલ્લાં લાંબા સમયથી દીપડાની રંજાડ હોય ખેડૂતો રાત્રી સમયે વાડીએ જઈ શકતા ન હોવાથી દિવસ દરમિયાન ખેતીવાડીમાં વીજ પુરવઠો આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા વાંકાનેર વિજતંત્રને રજુઆત થઈ છે. ભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા અને મંત્રી મનુભાઈ ઝાલા દ્વારા વાંકાનેર પીજીવીસીએલ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, વાંકાનેર રામપરા વિડી નજીક આવેલા ઘીયાવડ, ઇશ્વરીયા નેસ અને પીપરડી સીમમાં છેલ્લા લાંબા સમયથી દીપડાની રંજાડ છે. દીપડાને પકડવા વનવિભાગ દ્વારા પાંજરા મુકવા છતાં દીપડો પકડાયો ન હોય ખેડૂતો રાત્રી સમયે પોતાના વાડી ખેતરે જઈ શકતા નથી. આ સંજોગોમાં વનવિભાગની હદ માં આવેલા ઉપરોક્ત તમામ ગામોમાં ખેડૂતોને રાત્રીના બદલે દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવા માટે માંગ ઉઠાવી છે અને સાથે સાથે દીપડાની રંજાડ અંગે વન વિભાગના પત્રને પણ સામેલ રાખવામાં આવ્યો હતો.