હળવદ નજીક કેનાલમાંથી સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો હળવદ : હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસી પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પડતું મૂકતા તેનું મોત નીપજ્યું છે. સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બહાર કાઢી પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાછળ રહેતા રાજલબેન અરવિંદભાઈ ઠાકોર ઉંમર વર્ષ 30 આજે બપોરના સમયે હળવદ જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે સ્કુટી લઈને આવ્યા હતા અને સ્કુટી, મોબાઈલ કેનાલ કાંઠે મૂકી કેનાલમાં ધૂમકો માર્યો હતો.જોકે થોડે દૂર કેનાલ કાંઠે કપડાં ધોઈ રહેલા મહિલાઓ જોઈ જતા તેઓ દ્વારા બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા અને મહિલાને બહાર કાઢી તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જો કે ત્યાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.