મોરબી : કોરોના વિસ્ફોટને કારણે સમગ્ર માનવજાતને ખૂબ અસર થઈ છે. ત્યારે મોરબી જિલ્લામા પણ દિન -પ્રતિદિન કોરોનાના કેસોમાં ધડખમ વધારો થઈ રહ્યો છે. જેથી શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારવી અતિઆવશ્યક છે. ત્યારે હાલના સમયમાં કોરોનાની દવા પણ ઉપલબ્ધ થયેલ નથી. જેને કારણે લોકોમાં એકપ્રકારનો ભયનો માહોલ જોવા મળે છે. ત્યારે આવા ભયના માહોલમાંથી બહાર નીકળવા તથા કોરોના સામે આપણું રક્ષણ કરવા આપણે જાતે જ અમુક પ્રકારના પગલાઓ ભરવા અનિવાર્ય છે. કોરોના વાઇરસના સંક્રમણ સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આપણા ઘરમાં જ મળતી ઔષધીઓ તથા રસોડામાંના મરી- મસાલાનો ઔષધી તરીકે ઉપયોગ થાય તો તેના ખૂબ સારા પરિણામો નીવડે છે. આ અંગે જાણીતા આયુર્વેદિક ડોક્ટરોના જણાવ્યા મુજબ આપણા ઘરઆંગણે મળી રહેતા એવા ગળો , તુલસી,અરડૂસી, લીમડાની અંતરછાલ, આદુ, હળદર, ફુદીનો જેવા ઔષધો કોરોના વાઇરસ સામે રક્ષણ અપાવે છે. તેમજ રસોડામાં ઉપયોગમાં લેવાતા મરી-મસાલાઓ જેવાકે મરી, લવિંગ , તજ ,અજમો ,સુંઠ જેવી વસ્તુઓ પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ઘરગથ્થુ ઉપચારમાં ઘરમાં રહેલી વસ્તુઓ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાળીદ્રાક્ષ ( સાંજે પલાળી સવારે પેસ્ટ બનાવી લેવી) ,તુલસી , ફુદીનો , તજ, કાળામરી, સૂંઠ વગેરે ૫૦૦ મી.લી પાણીમાં લીંબુનો રસ નાખી હર્બલ-ટી અથવા ઉકાળો બનાવી સેવન કરવું જોઈએ. તથા ચ્યવનપ્રાશનું સવારે નિત્ય સેવન કરવું અને ગરમ દુધમાં 1/2 ચમચી હળદળ મેળવીને દિવસમાં 2 વખત પીવું જોઈએ. ખાસી કે ગળામાં ખરાશ થાય તો લવિંગના ચૂર્ણમાં ગોળ કે મધ મિક્સ કરી દિવસમાં બે થી ત્રણ વખત લેવું. તથા દિવસમાં ઓછા માં ઓછું એક વખત અજમો, ફુદીનો ગરમ પાણીમાં નાખી એની વરાળએ નાશ લેવી તથા એક લીટર પાણીમાં 1 ચમચી સૂંઠ પાવડર નાખી આખો દિવસ એ પાણી પીવું જોઈએ. તમારા રસોડામાં રહેલા હળદળ ,ધાણા, જીરૂ, લસણ વગેરે મસાલાઓનો વધુને વધુ રસોઈમાં ઉપયોગ કરવો જોઈએ.તથા તુલસીમાં થોડો મરી પાવડર તથા ફુદીનો નાખી તેનો ઉકાળો બનાવી દિવસમાં 3-4 વખત લેવો જોઈએ આ ઉકાળો શરદી-ઉધરસ તથા કફમાં રાહત આપે છે.તથા તુલસીનો ઉકાળો પીવાથી તાવ પણ ઉતરી જાય છે. સાથે -સાથે રોજ સવારે ઉઠીને સૌપ્રથમ હળદર-મીઠા ને ગરમપાણી માં નાખી કોગળા કરવા જોઈએ જેને કારણે ગળામાં થયેલો સોજો બેસી જાય છે. આમ, કોરોના વાઇરસ જેવી મહામારીથી આપણે આપણા ઘરમાં જ રહેલી ઔષધિઓ વાપરીને કોરોનાં સામે લડી અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ.