અર્થતંત્રના વિકાસમાં ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકા અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન બેઠક યોજાશે બેઠકમાં તમામ ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, મુખ્યમંત્રી ઓનલાઇન સંબોધન કરશે મોરબી : ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ (FIA) દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા પર એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2030 સુધીમાં ભારતના અર્થતંત્રને 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. તેમાં ગુજરાત તરફથી 1.5 ટ્રિલિયન ડોલરનો ફાળો કઈ રીતે આપી શકાય અને તેમાં ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝ શું ભાગ ભજવી શકે તે માટે આ બેઠકનું આયોજન થયું છે. આ બેઠકમાં તમામ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન્સનના પ્રમુખો, રિજનલ ચેમ્બરના પ્રમુખો, રિજનલ ફેડરેશનના પ્રમુખો, અગ્રણી ઉદ્યોગકારો સાથે 100 જેટલા ઉદ્યોગ પ્રતિનિધિઓની બેઠક આવતીકાલ તા. 3ના સવારે 9-15 કલાકે મળશે. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઓનલાઈન સંબોધન કરશે. આ બેઠકમાં મોરબીના વરમોરા ગ્રુપના પ્રકાશ વરમોરા (પ્રમુખ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન)ની વક્તવ્ય આપશે. તેમજ બેઠકમાં મોરબી સીરામીક એસોસીએશન, ઓરેવા ગ્રુપ, સનહાર્ટ ગ્રુપના આગેવાનો ઉપસ્થિત રેહશે. ગુજરાત એક ઈન્ડસ્ટ્રીઝનું હબ છે. જેમાં MSME સૌથી મોટા પ્રમાણમાં છે. ગુજરાતની જી.ડી.પી.માં ઈન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો ફાળો છે. આ ગ્રોથને આગળ કઈ રીતે લઈ જઈ શકાય અને સરકાર સાથે રહી ઉદ્યોગોને કઈ રીતે આગળ વધારી શકાય તે માટે આ ચિંતન બેઠક યોજવામાં આવી છે. ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ (FIA) દ્વારા આ બેઠક દરમ્યાન યસ બેંક સાથે ગુજરાતભરમાં MSME લોન માટે એક MOU સાઈન કરશે. ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા સ્થપાયેલ વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ કંપની સાથે ગુજરાતભરમાં વિવિધ જિલ્લાઓમાં આશરે 25,000 હેક્ટરમાં આધુનિક સુવિધા સાથે સ્માર્ટ એસ્ટેટો સ્થાપવામાં આવનાર છે તે અંગે પણ MOU સાઈન થશે.