રાજકીય, સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેરઠેર લચ્છી, ઠંડાપીણાં અને શરબતનું વિતરણ કરાયું મોરબી : મોરબીમાં આજે મચ્છુ માતાજીની રથયાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જેમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના રાજનેતાઓ, હોદેદારો, નગરપાલિકા, સામાજિક આગેવાનો અને સંસ્થાઓએ માતાજીની રથયાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેરઠેર લચ્છી, ઠંડાપીણાં અને શરબતનું વિતરણ કરાયું હતું. મોરબીમાં આજે સમસ્ત રબારી ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મચ્છુ માતાજી રથયાત્રા નિર્ધારિત રૂટ ઉપર ફરતી ફરતી નહેરુ ગેઇટ ચોકે પહોંચી ત્યારે હજારો લોકો જોડતા માનવ સાગર લહેરાયો હોય એવી સ્થિતિ જોવા મળી હતી. આ તકે રાજયમંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પરશુરામ યુવા ગ્રુપના હોદેદારો અને કાર્યકરોએ શિશ ઝુકાવીને આ મચ્છુ માતાની રથયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સામાજિક અને સંસ્થાઓ દ્વારા ઠેરઠેર લચ્છી, ઠંડાપીણાં અને શરબતનું વિતરણ કરાયું હતું.