18 ઓગસ્ટ સુધી મહિલા કારીગરોની વસ્તુઓનું વેચાણ થશેકલેક્ટર અને ધારાસભ્યએ મુલાકાત લઈ સૌને વસ્તુ ખરીદવા અનુરોધ કર્યોમોરબી : મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા. 10 ઓગસ્ટ થી તા. 18 ઓગસ્ટ 2024 સુધી એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના સખી મેળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આજ રોજ 10 ઓગસ્ટે આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે સખી મેળા મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. ઉદઘાટન પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, દર વર્ષે મોરબીમાં યોજાતા આ સખી મેળામાં લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આ વર્ષે પણ મહિલાઓ દ્વારા બનાવાયેલી રાખડીઓ અને હેન્ડીક્રાફ્ટની વિવિધ વસ્તુઓનું વેચાણ આ મેળામાં કરવામાં આવી રહ્યું છે. તેથી લોકોને મારી અપીલ છે કે આ મેળામાં પધારે અને ખરીદીનો લાભ લે જેથી આપણા હાથશાળના કારીગરો છે તેમને પ્રોત્સાહન મળે.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓને પ્રોત્સાહન આપવા સખી મંડળની યોજના લાવ્યા હતા. તેથી દર વર્ષે સખી મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે લોકો આ મેળામાં આવીને વસ્તુઓ ખરીદે તેવી અપીલ કરું છું જેથી મહિલા કારીગરોને વધુ ને વધુ આર્થિક મદદ થઈ શકે.