મોરબીના નવા મકનસરમાંથી હર્બલ ટોનીકનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સને 7.83 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયો મોરબી : મોરબી જિલ્લામાં આયુર્વેદિક હર્બલ ટોનિકના નામે નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે નવા મકનસર ગામે દુકાન તથા રહેણાંક મકાનમાં દરોડો પાડી આયુર્વેદીક હર્બલ ટોનીકની 9220 બોટલો તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 7,88,300ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. મોરબી LCBને બાતમી મળેલ કે નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસર પોતાની દુકાન તથા રહેણાંક મકાને આયુર્વેદીક હર્બલ ટોનીકનો જથ્થો ગેરકાયદેસર રીતે બીલ, આધાર વગર રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે LCBએ રેઇડ કરતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસર (ઉ.વ. 25)ની દુકાન તથા રહેણાંક મકાનેથી ગે.કા. રીતે બીલ કે આધાર પુરાવા વગરની આયુર્વેદીક હર્બલ ટોનીકની નાની-મોટી 9220 બોટલો (કિ.રૂ. 7,83,300), 1 મોબાઇલ ફોન (કિ.રૂ. 5000) મળી કુલ રૂ. 7,88,000નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. તેમજ આરોપી જયેશની અટક કરેલ છે. ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક ટોનિકના નામે વેચાતો આ પદાર્થ નશીલો હોવાનું અને અનેક યુવાનો આવા ટોનિકના રવાડે ચડી ગયા છે છતાં પણ શહેરમાં પાનની દુકાનો ઉપર આવા નશીલા પદાર્થ ખુલ્લે આમ વેચાઈ રહ્યા છે ત્યારે આજે એલસીબી ટીમે કરેલી કાર્યવાહીથી નશીલા પદાર્થના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.