પોલીસે પીછો કરતા ટ્રકચાલક ટ્રક રેઢો મૂકી ફરાર થઇ ગયો : ડ્રાઇવર, ટ્રક માલિક અને દારૂ મોકલનાર-મંગાવનારની શોધખોળમોરબી : મોરબીના શનાળા નજીક હાઇવે પર એલસીબીએ એક દારૂ ભરેલા ટ્રકનો પીછો કરતા ડ્રાઇવર ટ્રક મૂકી નાસી ગયો હતો. ટ્રકમાં કોલસાની ભૂકીની આડમાં છુપાવેલો રૂ.૮૯.૩૨ લાખનો દારૂનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક નંબર- જીજે ૧૦ ઝેડ ૭૮૨૨ રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં કોલસાની બોરીઓની નીચે અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. જેના આધારે એલસીબી ટીમે શનાળા ગામ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નિકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડ્રાઇવરે પોતાનો ટ્રક રોકેલ નહી. જેથી એલસીબી ટીમે ખાનગી તથા સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવર શનાળા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઇવે રોડ ઉપર મેડીકલ કોલેજની સામે ટ્રક રેઢો મુકી ખેતર તથા બાવળની ઝાડીનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. આ ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભુકી ભરેલ બોરીઓ હતી. જે બોરીઓની આડમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૬૯૬ કિ.રૂ.૮૯,૩૨,૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબીએ દારૂ અને ટ્રક મળી કુલ રૂ.૧,૦૯,૩૨,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી ટ્રક ડ્રાઇવર, ટ્રક માલિક, ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર સહિતના શખ્સોની શોધખોળ આદરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ વી.એન.પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એલસીબીનો સ્ટાફ રોકાયેલ હતો.