મોરબી: મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે છેલ્લા ૧૪ માસથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલા એક આરોપીને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ (રહે. મધ્યપ્રદેશ) છે. તે મોરબી સબ જેલના કાચા કામના કેદી નંબર ૯૧૭/૨૦૨૪ તરીકે મોરબી તાલુકા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન અને આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં સંડોવાયેલો હતો.આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન પર છૂટ્યો હતો અને તેને તા.૦૧/૦૯/૨૦૨૪ ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે ફરાર થઈ ગયો હતો. ત્યારે ખાનગી બાતમીના આધારે ટીમે તેને હળવદ વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે ફરીથી મોરબી સબ જેલ હવાલે કર્યો છે.